ઝવેરી પાણી બોટલ લેવા બસમાંથી ઉતર્યા, લૂંટારા 1.68 કરોડના દાગીના લઈ ફરાર
ભાયંદંરના ઝવેરી એસટી બસમાં નાસિકથી બોરિવલી આવતા હતા
અગાઉથી જ બસમાં બેઠેલા લૂંટારાઓએ ઝવેરી પર વોચ રાખી હતીઃબેગ સાથે નીચે ઉતરી કારમાં ભાગ્યાઃ ડ્રાઈવરે બસ પાછળ દોડાવી પણ આંતરી ન શક્યા
મુંબઇ - મુંબઇ-નાશિક હાઇવે પર એસટી બસમાં પ્રવાસ કરતા ભાયંદરના ઝવેરીના રૃા.૧.૬૮ કરોડના દાગીના અને રૃા.બે લાખની રોકડ રકમ ચોરી કરાતા ચકચાર જાગી હતી. ઝવેરી પાણીની બોટલ લેવા બસમાંથી નીચે ઉતર્યા ત્યારે ચાર આરોપીની ટોળકી બૅગ લઇને કારમાં પલાયન થઇ ગઇ હતી. બસ ડ્રાઇવરે કારનો પીછો પણ કર્યો હોવાનું કહેવાય છે. આરોપીઓને પકડવા પોલીસની ચાર ટીમ બનાવવામાં આવી છે.
કસારા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર સુરેશ ગાવિતે 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે ભાયંદરના ઝવેરી કિરણકુમાર પુરોહિત નાસિકથી એસટી બસમાં બોરીવલી તરફ આવી રહ્યા હતા. ત્યારે થાણેના શહાપુર તાલુકાના ઉમ્બરમાલી ગામ નજીક શનિવારે રાતે અંદાજે ૧.૩૦ વાગ્યે આ ઘટના બની હતી. આરોપીઓ પ્રવાસીના સ્વાંગમાં બસમાં પ્રવાસ કરી રહ્યા હતા. ઝવેરી દાગીના ભરેલી બૅગ સીટ પર રાખીને પાણીની બોટલ ખરીદવા માટે નીચે ઉતર્યા હતા તે સમયે આ ગેંગ દાગીના અને રોકડ રકમ ભરેલી બૅગ લઇ કારમાં નાસી ગયા હતા.
ઝવેરીને બૅગની ચોરીની ખબર પડતા તેમણે બૂમા બૂમ કરી હતી. પછી બસ ડ્રાઇવરે કાંરનો પીછો કર્યો હતો પરંતુ કારનો પતો લાગ્યો નહોતો.
આ ગેંગને પકડવા પોલીસ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ માહિતીની ચકાસી રહ્યા છે. કસારા પોલીસે આ મામલે ચોરી અને ભારતીય ન્યાય સંહિતાની અન્ય કલમ હેઠળ કેસ દાખલ કર્યો છે. બીજી તરફ આ ગુનામાં કોઇ જાણભેદુની સંડોવણીની પણ શક્યતા ઝવેરીની ગતિવિધિ પર નજર રાખી ચોરી કરાઇ હોવાની શંકા છે.
જવેલર કિરણકુમાર કારીગર પાસે દાગીના બનાવી જુદા જુદા સ્થળે વેચવા જાય છે તેઓ પહેલા શ્રીરામપુર ગયા ત્યાંથી સંગમનેર થઇ નાસિક આવ્યા હતા બાદમાં નાસિકથી બોરીવલી તરફ આવવા એસટી બસ પકડી હતી.