નાસિકમાં હોમ ફાઈનાન્સ કંપનીનાં લોકરમાંથી 5 કરોડનાં દાગીના ચોરાયાં
ગાર્ડ આગળ ઊભો હતો, તસ્કરો બારીમાંથી પ્રવેશ્યા
પીપીઈ કિટ પહેરીને આવેલા તસ્કરોએ ઓફિસમાં રાખેલી ચાવીથી જ લોકર ખોલતાં જાણભેદુની શંકાઃ લોકરધારકોનાં ટોળાં કંપની ખાતે ઉમટયાં
મુંબઇ : નાશિકમાં હોમ ફાઇનાન્સ કંપનીમાં પીપીઇ કીટ પહેરીને ઘૂસેલા ચોરે લોકરમાંથી અંદાજે રૃા. ૪.૯૨ કરોડના સોનાના દાગીનાની ચોરી કરી હતી. ઓફિસમાં સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઇ ગઇ હતી. અહી દરવાજા પર સિક્યુરિટી ગાર્ડ હતો પરંતુ બે ચોર બારીમાંથી ઓફિસમાં ઘૂસ્યા હોવાનું કહેવાય છે. પોલીસે કેસ નોંધી આરોપીઓને પકડવા જુદી જુદી ટીમ બનાવી છે.
નાશિકના ગંગાપુર નાકા વિસ્તારમાં ઇન્દિરા હાઇટસ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં શનિવારે મધરાતે આ ઘટના બની હતી. ફાઇનાન્સ કંપનીની ઓફિસમાં સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ અને સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા હતા. ઓફિસની બારીમાંથી બે ચોર અંદર ઘૂસ્યા હતા. પોલીસથી બચવા એક આરોપીએ પીપીઇકીટ પહેરી હતી જ્યારે તેના સાથીદારના માથા પર ટોપી અને ચહેરા પર માસ્ક હતું.
બંને આરોપીએ સેફ્ટી લોકરમાંથી ૨૨૨ ગ્રાહકના રૃા. ૪.૯૨ કરોડના દાગીના ચોરી લીધા હતા. ઓફિસમાં રાખવામાં આવેલી ચાવીથી જ લોકર ખોલવામાં આવ્યા હતા. આથી કદાચ આ ગુનામાં કોઇ જાણભેદુ સંડોવાયેલો હોવાની શંકા છે. દાગીના ચોરી કર્યા બાદ આરોપીઓ બારીમાંથી જ બહાર નાસી ગયા હતા.
ઓફિસની એક કર્મચારીએ શનિવારે સાંજે તપાસ કરવા લોકરમાંથી દાગીના ગાયબ હોવાની જાણ થઇ હતી. પછી આ બનાવની પોલીસને માહિતી આપવામાં આવી હતી. સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને સિનિયર પોલીસ ઓફિસરો ઘટના સ્થળે તપાસ માટે પહોંચી ગયા હતાં.
ફરાર આરોપીઓને પકડવા પોલીસની અનેક ટીમ બનાવવામાં આવી છે. તેમણે જુદા જુદા સ્થળે ચોરની શોધખોળ હાથધરી હતી. બીજી તરફ ચોરીની ખબર પડતા ખાતાધારકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તેઓ ફાઇનાન્સ કંપનીમાં પહોંચી ગયા હતા. તેમણે પોતાના દાગીના બાબતે પૂછપરછ કરી હતી. કંપનીએ તેમને દાગીનાની ચૂકવણીની ખાતરી આપી હતી.