જ્વેલરી શો રુમનાં માલિકનાં વૃદ્ધ પત્નીની હત્યાઃ દાગીના સાથે નોકર ગાયબ
63 વર્ષના જ્યોતિબેન શાહનું નોકરે ગળું દબાવી દીધું
નેપિયન્સી રોડ પરના તાહની હાઈટ્સ બિલ્ડિંગમાં હત્યાથી હાહાકારઃ મુંબઈમાં એકલા રહેતા વૃદ્ધજનની હત્યાની ફરી ઘટના
મુંબઇ : નેપિયન્સી રોડ પર ફલેટમાં ડાયમંડ જ્વેલરના ૬૩ વર્ષીય વૃદ્ધ પત્ની જ્યોતિ શાહની હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર જાગી હતી. બે દિવસ પહેલા જ ઘરકામ માટે રાખેલા નોકરે લૂંટના ઇરાદે હત્યા કરી હોવાની શંકા છે. આ બનાવ બાદ તે ગાયબ છે. ફલેટમાંથી દાગીના સહિત કિંમત માલમતા ગાયબ હોવાનું કહેવાય છે. મલબારહિલ પોલીસે મામલાની નોધ લઇ વધુ તપાસ આદરી છે.
પોલીસે નોકર સામે હત્યા અને લૂંટનો કેસ દાખલ કર્યો છે. ફરાર આરોપીને પકડવા પોલીસની જુદી જુદી ટીમ બનાવવામાં આવી છે.
મુંબઇના સૌથી હાઇપ્રોફાઇલ અને સલામત વિસ્તાર તરીકે જાણીતા નેપિયન્સી રોડ પર ઘણા મોટા ઉદ્યોગપતિ, રાજકારણીઓ અને પ્રખ્યાત સેલિબ્રિટી રહે છે. આ ઘટનાને સમગ્ર મુંબઇને હચમચાવી નાખ્યું હતું.
નેપિયન્સી રોડ પર તાહની હાઇટ્સ બિલ્ડિંગમાં જ્વેલર મુકેશ શાહ તેમની પત્ની જ્યોતિ શાહ (ઉ.વ.૬૩) સાથે રહે છે. દક્ષિણ મુંબઇમાં મુકેશ શાહ જ્વેલરીનો શો રૃમ ધરાવે છે. બે દિવસ અગાઉ જ ઘરકામ માટે તેમણે નવા નોકરને રાખ્યો હતો.
ઝવેરી મુકેશ શાહ ગઇકાલે બપોરે રાબેતા મુજબ કામ માટે તેમના ઘરની બહાર ગયા હતા. તેમણે બપોરે ત્રણ વાગ્યે કોઇ કામથી પત્નીને ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમણે કોલનો જવાબ ન આપતા પતિ ઘરે આવ્યા હતા.
ફલેટમાં બેડરૃમમાં તપાસ કરતા જ્યોતિ શાહ અચેતન અવસ્થામાં પડેલા હતા આથી તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ડૉકટરે તઓ મૃત્યુ પામી ચૂક્યાં હોવાનું જણાવ્યું હતું.
પોલીસને પ્રાથમિક તપાસમાં મૃતકરનું ગળું દબાવીને હત્યા કરાઇ હોવાનું માલૂમ પડયું હતું. મલબાર હિલ પોલીસની ટીમ ઘટનાસ્થળે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ પરિવારે પરિચિત વ્યક્તિના સંદર્ભ દ્વારા બે દિવસ પહેલા જ ઘરકામ માટે નોકર રાખ્યો હતો તે મર્ડર બાદ ગાયબ છે આવી લૂંટના ઇરાદે તેણે હત્યા કરી હોવાનું કહેવાય છે.
પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરી છે એમાં નોકરને બિલ્ડિંગના પરિસરમાંથી બહાર નીકળતા જોઇ શકાય છે. તે બિહારના દરભંગાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની જુદી જુદી ટીમ તેની શોધખોળ કરી રહી છે.
ફલેટમાંથી ચોક્કસ કેટલી માલમત્તા ચોરી થઇ છે એની તપાસણી કરવામાં આવી રહી છે. પોલીસે મૃતકના પરિવાર, પાડોશી, સંબંધી વૉચમેન, પૂછપરછ કરી છે.
મુંબઇમાં અગાઉ પણ ઘરમાં અકલા હોય ત્યારે વરિષ્ઠ નાગરિકની હત્યા કરવાની ઘટના બની છે. આ બનાવ બાદ તેમની સુરક્ષા બાબતે ફરી સવાલ ઉભો થયો છે.