મુકેશ અંબાણીને ધમકી આપનારા જ્વેલર્સને 20 ઓગસ્ટ સુધી કસ્ટડી
મૂળ ત્રિપુરાનો વિષ્ણુ પચ્ચીસ વર્ષથી મુંબઈમાં રહે છે
આરોપી માનસિક બીમાર હોવાની અને 2013થી સારવાર લેતો હોવાની દલીલ
મુંબઈ : દક્ષિણ મુંબઈમાં આવેલી એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની હેલ્પલાઈન પર ફોન કરીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન મુકેશ અંબાણીને મોતની ધમકી આપવા બદલ બોરીવલીથી પકડાયેલા ૫૬ વર્ષના ઝવેરીને મંગળવારે હોલી ડે કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેને ૨૦ ઓગસ્ટ સુધીની પોલીસ કસ્ટડી આપવામાં આવી હતી.
આરોપી વિષ્ણુ વિધુ ભૌમિક માટે દસ દિવસની કસ્ટડી માગીને પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે આરોપીએ ઉદ્યોગપતિને ધમકી શા માટે આપી એ ચકાસવા માગીએ છીએ. પોલીસે દાવો કર્યો હતો કે આ પ્રકરણે હજી કોઈ સંડોવાયેલું છે કે નહીં. દેશમાં મુકેશ અંબાણીને ધમકાવવાની મનોવૃત્તિ ગંભીર બાબત છે, એમ સરકારી વકિલે કોર્ટને જણાવ્યું હતું.
બચાવ પક્ષે દલીલ કરી હતી કે આરોપી માનિસક રીતે બીમાર છે અને ૨૦૧૩થી તેના માટે સારવાર લઈ રહ્યો છે. ધમકી આપવા પાછળ કોઈ નકારાત્મક ઈરાદો નથી. સોમવારે આરોપીએ સવારે ૧૦.૩૯ વાગ્યે અને બપોરે ૧૨.૦૪ વાગ્યે હોસ્પિટલમાં નવ વાર ફોન કરીને અંબાણીને ધમકી આપી હતી અને પોતાનું નામ અફઝલ હોવાનું જણાવ્યું હતું.
આરોપી ૨૬ વર્ષથી મુંબઈ રહે છે અને મૂળ ત્રિપુરાનાછે. પત્ની અને બે બાળકો સાથે રહેતો આરોપી દક્ષિણ મુંબઈમાં જ્વેલરી શોપ ધરાવે છે, એમ પોલીસે જણાવ્યું હતું.