જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલને તબીબી જામીન અપાયા
મની લોન્ડરિંગના કેસમાં વચગાળાના આદેશને કાયમ કરાયો
કેન્સરથી પીડાતા હોવાથી સમયાંતરે જામીન લંબાવાયા હતા , ઈડીએ હોસ્પિટલમાં જ દાખલ કરવાનું કહી વિરોધ કર્યો હતો
મુંબઈ : મની લોન્ડરિંગના કેસમાં જેલવાસ ભોગવી રહેલા જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલને બોમ્બે હાઈ કોર્ટે તબીબી કારણસર જામીન આપ્યા છેે. મે મહિનામાં ન્યા. જામદારે ગોયલને તબીબી કારણસર વચગાળાના જામીન આપ્યા હતા. સોમવારે તેમણે વચગાળાના આદેશને કાયમી કર્યો હતો. ૭૫ વર્ષના ગોયલ કેન્સરથી પીડાય છે અને તેમણે સારવાર લેવા જામીન માગ્યા હતા.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ અરજીનો વિરોધ કરીને જણવાયું હતું કે તેમને તેમની પસંદગીની હોસ્પિટલમાં દાખલ કરીને કસ્ટડીમાં રહીને જ સારવાર આપી શકાય છે.
મે મહિનામાં હાઈકોર્ટે બે મહિનાના વચગાળાના જામીન આપ્યા હતા અને ત્યાર બાદ ચાર સપ્તાહ માટે લંબાવ્યા હતા ત્યાર બાદ વધુ બે મહિના લંબાવ્યા હતા.
કેનેરા બેન્ક દ્વારા જેટ એરવેઝને અપાયેલી રૃ. ૫૩૮.૬૨ કરોડની લોનની ઉચાપત અને મની લોન્ડરિંગના આરોપસર સપ્ટેમ્બર ૨૦૨૩માં ગોયલની ધરપકડ થઈ હતી. તેમની પત્ની અનિતા ગોયલની પણ નવેમ્બર ૨૦૨૩માં ધરપકડ થી હતી. વિશેષ કોર્ટે અનિતાને એ જ દિવસે જૈફ વય અને તબીબી કારણસર જામીન આપ્યા હતા. ૧૬ મેના રોજ તેમનું અવસાન થયું હતું.