આજથી મુંબઈ સહિત દેશભરમાં જેઈઈ મેઈન્સની પરીક્ષા શરુ થશે
દેશ-વિદેશના 311 શહેરોમાં યોજાશે પરીક્ષા
ડાયાબિટીસ ધરાવતાં પરીક્ષાર્થીઓને સાકરની ગોળી, ફળો તથા પાણીની બોટલની મંજૂરી
મુંબઈ : દેશની આઈઆઈટી, એનઆઈટી સહિત અન્ય એન્જિનીયરીંગ કૉલેજો તેમજ વિવિધ શિક્ષણ સંસ્થાઓમાંના એન્જિનીયરીંગ કોર્સના એડમિશન માટે અત્યંત મહધવની ગણાતી જેઈઈ મેઈન્સના બીજા સત્રની પરીક્ષા ગુરુવારે ચોથી એપ્રિલથી શરુ થઈ રહી છે.
જેઈઈ મેઈન્સ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા મુંબઈ સહિત દેશ-વિદેશના કુલ ૩૧૯ શહેરોના પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવવાની છે. એનટીએ દ્વારા જેઈઈ મેઈન્સની પરીક્ષા દર વર્ષે જાન્યુઆરી અને એપ્રિલ એમ બે સત્રમાં લેવામાં આવે છે. પ્રથમ સત્ર માટે દેશભરમાંથી કુલ ૧૨ લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું હતું.
બી.ઈ. અને બી.ટેક કોર્સ માટે ચોથી, પાંચમી, છઠ્ઠી, આઠમી અને નવમી એપ્રિલે પરીક્ષા થવાની છે. આ પરીક્ષા સવારે ૯ થી બપોરે ૧૨ અને બપોરે ૩ થી સાંજે ૬ એમ પાછી બે સત્રમાં થશે. તેમજ બી.આર્ક, બી.પ્લાનિંગ કોર્સ માટે ૧૨ એપ્રિલે સવારે ૯ થી બપોરે ૧૨.૩૦ દરમ્યાન પરીક્ષા થવાની છે.
આ પરીક્ષા માટે ડ્રેસકોડમાં નક્કી કરાયા મુજબ હટન, ઝીપર્સ અને સ્ટડ જેવા ધાતુની કોઈપણ વસ્તુ ધરાવતાં વસ્ત્રો પહેરી શકાશે નહીં. વિદ્યાર્થીએ હૉલટિકીટ, તાજેતરનો ફોટો અને માન્ય ફોટો આઈડી સાથે રાખવાનું રહેશે.પરીક્ષાર્થીએ પરીક્ષાની ૩૦ મિનીટ પહેલાં સેન્ટર પર પહોંચવાનું રહેશે. પરીક્ષા શરુ થયા બાદઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે નહીં. પરીક્ષા કેન્દ્રમાં ડાયાબિટીસના વિદ્યાર્થીઓ સાકરની ગોળીઓ, ફળ અને સ્વચ્છ પાણીની બૉટલ્સ લઈ જઈ શકશે. પરંતુ ચોકલેટ, કેન્ડી અને સેન્ડવિચ જેવા પેકેજ્ડ ફૂડને મંજૂરી અપાઈ નથી.