જયાપ્રદા ભાગતી ફરે છે, યુપી પોલીસના ઠેર ઠેર દરોડા
આચારસંહિતા ભંગના કેસમાં ધરપકડ વોરન્ટ
દિલ્હી, મુંબઈના ઘર ઉપરાંત અભિનેત્રીની નર્સિંગ કોલેજ પર પણ પોલીસ પહોંચી
મુંબઈ : ચૂંટણી આચારસંહિતા ભંગના બે કેસમાં ધરપકડ વોરન્ટ નીકળ્યા બાદ જયાપ્રદા ભાગતી ફરી રહી છે. તેનાં દિલ્હી અને મુંબઈના ઘર ઉપરાંત તેના દ્વારા સંચાલિત નર્સિંગ કોલેજ સહિતના કેટલાંય સ્થળોએ પોલીસ સર્ચ કરી ચુકી છે પરંતુ જયાપ્રદા હજુ ઝડપાઈ નથી. તેને તા. ૧૦મી જાન્યુઆરી સુધીમાં કોર્ટ સમક્ષ હાજર કરવાની હોવાથી યુપી પોલીસ તેની ભાળ મેળવવા એડીચોટીનું જોર લગાવી રહી છે.
જયાપ્રદા તથા તેના સ્ટાફે પણ તમામ મોબાઈલ બંધ કરી દીધા છે. પોલીસ અન્ય સંપર્ક સૂત્રો મારફતે તેનું લેટેસ્ટ લોકેશન ટ્રેસ કરવા પ્રયાસ કરી રહી છે.
જયાપ્રદાએ રામપુર સીટથી ૨૦૧૯માં ભાજપાની ટિકીટ પરથી ચૂંટણી લડી હતી. ત્યારે તેના વિરુદ્ધ ચૂંટણીની ાચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ નોંધાઇ હતી. તેણે ચૂંટણીની આચાર સંહિતા લાગુ થયા પછી પણ ૧૯ એપ્રિલના રોજ નૂરપુર ગામમાં સડકનું ઉદ્ધાઘટન કર્યું હતું તેવો આરોપ છે.
બીજો કેસ પિપલિયા મિશ્ર ગામમાં આયોજિત જનસભામાં આપત્તિજનક ટીપ્પણી કરવાનો આરોપ છે. બન્ને કેસમાં પોલીસે તપાસ પુરી કર્યા પછી ચાર્જશીટ ફાઈલ કરી હતી. હાલ કેસની સુનવણી ચાલી રહી છે. પરંતુ અભિનેત્રી કેટલીય મુદ્દતથી કોર્ટમાં હાજર થતી નથી. પરિણામે તની સામે નોન બેઈલેબલ વોરન્ટ જારી કરાયું છે.