મરાઠા આરક્ષણ માટે 25મી ઓક્ટોબરથી જોરદાર આંદોલનની જરાંગોની ચેતવણી

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
મરાઠા આરક્ષણ માટે 25મી ઓક્ટોબરથી જોરદાર આંદોલનની જરાંગોની ચેતવણી 1 - image


માગણી સ્વીકારવા રાજ્ય સરકારને 24મી ઓક્ટોબર સુધીની મહેતલ આપી છે

મુંબઇ :  મહારાષ્ટ્ર સરકાર ૨૪મી ઓક્ટોબર સુધીમાં મરાઠા આરક્ષણની માગણી નહીં સ્વીકારે તો ૨૫મી ઓક્ટોબરથી જોરદાર આંદોલન છેડવાનો આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે નિર્ધાર વ્યક્ત કર્યો છે.

સોલાપુર જિલ્લાના ચકલૂજમાં પત્રકાર પરિષદને સંબોધતા પાટીલે જણાવ્યું હતું કે મરાઠા સમુદાયને નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થામાં આરક્ષણ આપવા માટે રાજ્ય સરકારને ૨૪ ઓક્ટોબર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે.

મને ખબર નથી કે સરકાર શું કરી રહી છે. આવતી કાલે અમે જાલનાના અંતરવાલી ગામમાં અમારી આગામી કાર્યવાહી નક્કી કરવા માટે એક બેઠક યોજીશું. સરકાર મરાઠા સમુદાયના શાંતિપૂર્ણ આંદોલનનો સામનો કરી શકશે નહીં, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે જરાંગે ૨૯ ઓગસ્ટના રોજ જાલનામાં અંતરવાલી સરાતીમાં બેમુદત ભૂખહડતાળ શરૃ કર્યા પછી રાજ્યના રાજકરણ અને રાજનીતિના કેન્દ્રમાં મરાઠા આરક્ષણે મોટી હિલચાલ લાવ્યા હતા.

૧ સપ્ટેમ્બરના રોજ ભૂખ હડતાળના સ્થળે પોલીસની કાર્યવાહી જેમાં કરેલી લાઠીચાર્જના પગલે અનેક લોકો ઘાયલ થયા હતા. આ કાર્યવાહીને લીધે મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ બાબતેની હલચલ રાષ્ટ્રીય હેડલાઈન્સ બની ગઈ હતી.

મુખ્ય મંત્રી એકનાથ શિંદે બેમુદત ભૂખ હડતાળ પર ઉતરેલા સ્થળે મનોજ જરાંગને મળ્યા હતા અને ખાતરી આપી હતી કે સરકાર તેમની માગણીઓ પર સકારાત્મક વલણ અપનાવશે પછી જરાંગે ૧૪ સપ્ટેમ્બરથી ભૂખ હડતાળ પાછી ખેંચી હતી.

તે સમયે ભૂખ હડતાળ પાછી ખેંચતી વેળા જરાંગે કહ્યું હતું કે મરાઠાઓના આરક્ષણને સુનિશ્ચિત કરવા માટે રાજ્યને એક મહિનાનો સમય આપું છું. જો ૨૪ ઓક્ટોબર સુધી સરકાર ઘટતું નહીં કરે તો પછી મરાઠા આરક્ષણના આંદોલનને ફરી તીવ્ર કરાશે, એવી ચીમકી જરાંગે આપી હતી.



Google NewsGoogle News