હેમા ઉપાધ્યાય ડબલ મર્ડર કેસમાં આર્ટિસ્ટ પતિ ચિંતનને જન્મટીપ

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
હેમા ઉપાધ્યાય ડબલ મર્ડર કેસમાં  આર્ટિસ્ટ પતિ ચિંતનને જન્મટીપ 1 - image


દિંડોશી સેશન્સ કોર્ટે સનસનાટીભર્યા  કેસમાં આપ્યો ચુકાદો

હત્યાના અન્ય 3 કસૂરવારોને પણ આજીવન કેદની સજા સંભળાવાઈઃ હાઈકોર્ટે દોષિત ગણ્યો છે એટલે દયાની વિનંતી નહીં કરું : ચિંતન

મુંબઈ :  વિભક્ત પત્ની હેમા અને તેના વકિલ હરેશ ભામ્ભાણીની હત્યાને પ્રોત્સાહન આપવા અને તેનું કાવતરું ઘડવા બદલ કસૂરવાર ઠરેલા કલાકાર ચિંતન ઉપાધ્યાયને દિંડોશી સેશન્સ કોર્ટે જન્મટીપની સખત કેદની સજા સંભળાવી છે. કેસમાં હત્યાના કસૂરવાર અન્ય ત્રણ આરોપી ટેમ્પો ડ્રાઈવર વિજય રાજભર તેના મદદનીશ પ્રદીપ રાજભર અને સિવકુમાર શર્માને પણ જન્મટીપની સજા સંભળાવાઈ છે.

 શનિવારે સજા પરની દલીલમાં ચિંતને કોર્ટને જણાવ્યું હતું કે પોતાનો અંતરઆત્મા શુદ્ધ છે અને પોતે કોઈ ગુનો કર્યો નથી. ઉપાધ્યાયે જોકે એમ પણ જણાવ્યું હતું કે પોતે દયાની વિનંતી કરતો નથી અને કોર્ટ જે સજા નક્કી કરશે એ ભોગવવા તૈયાર છે કેમ કે કોર્ટે પોતાને દોષિત ગણ્યો છે.  

દિંડોશી કોર્ટન એડિશનલ સેશન્સ જજ એસ. વાય. ભોસલેએ પાંચ ઓક્ટોબરે ઉપાધ્યાયને કસૂરવાર જાહેર કર્યો હતો. તેની સામે ગુનાહિત કાવતરું ઘડવું અને ગુનાને પ્રોત્સાહન આપવાનો આરોપ છે.  

પોલીસ કેસ ઉકેલી શકી નહોવાથી પતિ પત્નીના અણબનાવનો લાભ લઈને પોતાને ખોટી રીતે સંડોવ્યો હોવાની ચિંતને કોર્ટને આપેલા અંતિમ  નિવેદનમાં જણાવ્યું હતું.

કેસની વિગત અનુસાર આંતરરાષ્ટ્રીય દરજ્જાના ચિત્રકાર ચિંતન ઈન્સ્ટોલેશન આર્ટિસ્ટ હેમા ઉપાધ્યાયનો પતિ હતો. બંને વચ્ચે છૂટાછેડાનો કેસ હાઈ કોર્ટમાં ચલાતો હતો. તેવામાં હેમા અને તેના વકિલ હરીષ ભામ્ભાણીની ૧૧ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ હત્યા થઈ હતી. બંનેના મૃતદેહ બોક્સમાં ભરીને કાંદિવલીના દહાણૂકરવાડીના નાળામાં ફંકી દેવાયા હતા.

આરોપીઓએ કોર્ટને શું કહ્યું?

શનિવારે કોર્ટે તમામ આરોપીઓને વિટનેસ બોક્સમાં બોલાવીને તેમની સામેની કલમો સમજાવી હતી. કસૂરવારોને કંઈ કહેવું છે એવો સવાલ કર્યો હતો. ચિંતને કોર્ટને જણાવ્યું હતું કે પોતે કોઈ ગુનો કર્યો નથી, નિર્દોષ છે.કોર્ટ જે સજા આપશે એ સ્વીકારશે.

વિજય રાજભરે કોર્ટને જણાવ્યું હતુંં કે તેને ત્રણ બાળકો છે અને તેના સસરાના મોત બાદ તેમની દેખભાળ કરનારું કોઈ નથી અને સ્કૂલમાં દાખલો મળતો નથી. સહ આરોપી પ્રદીપ રાજભરે જણાવ્યું હતંં કે તેના માતાપિતા વૃદ્ધ છે અને આજીવિકા રળી શકતા નથી અને પરિવાર તેના પર નિર્ભર છે. પોતે ૧૮ વર્ષનો હતો અને આથી સજા વખતે આ બાબત ધ્યાનમાં લેવાની ત્રીજા આરોપી શિવકુમારે રજૂઆત કરી હતી. ત્રણે જણે દયાની વિનંતી કરી હતી અને જેલવાસનો સમય સજા સામે સરભર કરવાની વિનંતી કરી હતી.

સરકારી વકિલની દલીલો

વિશેષ સરકારી વકિલ વૈભવ બાગડેએ આરોપીઓ માટે મોતની સજાની માગણી કરી હતી. ચિંતને આપેલા નિવેદન પરથી તેણે ગુનો આચર્યાની મક્કમતા  દર્શાવે છે, એમ વકિલે જણાવ્યું હતું. તમામ આરોપીઓ સ્વેચ્છાએ ગુનામાં સંકળાયેલા હતા અને બનાવથઈ શહેરમાં હાહાકાર મચી ગયો હતો.સમાજમાં આગવું સ્થાન ધરાવતા વકિલ પરના હુમલાને ધ્યાનમાં લઈને એવો સંદેશ જવો જોઈએ કે જો પાયાને હચમચાવશો તે તેને ગંભીર લેવાશે.આ ઠંડે કલેજે નિયોજીત રીતે કરાયેલી હત્યા છે, એમ બાગડેએ દલીલ કરી હતી. આરોપીઓ  રીઢા છે તેમનામા ંસુધારો આવવાની સંભાવના નથી, એમ પણ તેમણે જણાવ્યું હતું.

મૃત્યુદંડ શા માટે ન થવો જોઈએ?

ઉપાધ્યાય વતી વકિલ રાજા ઠાકરેએ દલીલ કરી હતી કે મૃત્યુદંડની ફિલસુફીમાં ફેરફાર થયો છે જે તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચુકાદામાંથી ફલિત થાય છે. આ કેસમાં ઉપાધ્યાયનો સીધો સંબંધ નથી. હત્યા જે રીતે થઈ હશે તેની સાથે તેને સંબંધ નથી. આ જવલ્લે બને એવો કેસ નહોવાથી મૃત્યુદંડ થઈ શકે નહીં વિકલ્પ ઉપલબ્ધ છે.

 અન્ય આરોપીઓ વતી દલીલ કરાઈ હતી કે આરોપીઓનો કોઈ ગુનેગારીનો રેકોર્ડ નહોવાથી મૃત્યુદંડ આપી શકાય નહીં. ઉપાધ્યાયને તાજેતરમાં છ વર્ષના જેલવાસ બાદ સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા.



Google NewsGoogle News