ગુણકારી જાંબુના ભાવમાં ધરખમ વધારો, છુટક બજારમાં ભાવ રુ400 થી 500 ને પાર
જાંબુમાં ઘણા સ્વાસ્થ્ય ફાયદા હોવાથી લોકો હવે આ ફળ તરફ વળ્યા છે
હાલ મુંબઈ બજાર સમિતિમીં જાંબુની રોજની સરેરાશ 2થી અઢી ટનની આવક થઈ રહી છે
મુંબઇ : મુંબઈકૃષિ આવકબજાર સમિતિમાં હાલ જાંબુના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે. હાલ જાંબુમાં રોજની સરેરાશ બેથી અઢી ટનની આવક થઈ રહી છે. જથ્થાબંધ બજારમાં જાંબુ રુ. ૨૦૦થી રુ. ૨૫૦ મળી રહ્યા છે. જ્યારે છુટક બજારમાં જાંબુનો ભાવ રુ. ૪૦૦થી રુ. ૫૦૦ પ્રતિ કિલોએ પહોંચી ગયો છે.
મુંબઈના બજાર સમિતિમાં બુધવારે અઢી ટન જાંબુનું આગમન થયું હતું. આ ઉપરાંત બદલાપુર, પનવેલ ગ્રામ્ય અને અન્ય સ્થળોએથી પણ શહેરમાં જાંબુ વેચાણ માટે બજારમાં આવી રહ્યા છે. જો કે, જથ્થાબંધ બજારમાં હાલ જાંબુ રુ. ૨૦૦થી ર૫૦ના ભાવે વેચાઈ રહ્યા છે.
રમિયાન, છુટક બજારમાં આ જ જાંબુનો ભાવ રુ. ૪૦૦થી રુ. ૫૦૦ પ્રતિ કિલોના ભાવે પહોંચ્યો છે. જાંબુના આવા ઉંચા ભાવ મળતા હોવાથી હાલ છુટક માર્કેટોમાં શહેરના તમામ ફ્રુટ માર્કેટ વિક્રેતાઓની સાથે સાથ હવે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પણ જાંબુ વેચતી જોવા મળી રહી છે.
જાંબુનું ફળ અને તેનું બીજ બંને સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી હોય છે. તેમજ હૃદય રોગ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવા અનેક રોગોમાં જાંબુ ફળ ફાયદાકારક સાબિત થાય છે. ડાયાબિટિસ અને બ્લડ પ્રેશરથી પીડીત દર્દીઓ જાંબુના બીજનો પાઉડર બનાવીને વર્ષભર તેનો ઉપયોગ કરે છે. આનાથી તેમને ઘણો ફાયદો થતો હોય છે. આવા બધા ફાયદાઓ હોવાથી હાલ લોકો હવે જાંબુ તરફ વળ્યા છે. આથી છેલ્લા કેટલાક સમયથી જાંબુનો બજારમાં સારો એવો ભાવ મળી રહ્યો છે.