ખોપોલી પાસે અકસ્માતમાં જૈન સાધુનો બચાવ, પણ ભાવિક યુવકનું મોત
અન્ય વાહનની ટક્કરથી ધકેલાયેલી રીક્ષાની અડફેટે મોત
૧૮ વર્ષના ખોપોલીના યુવકે જીવલેણ ઈજા બાદ અંતિમ શ્વાસ લેતાં શોકની લાગણી
મુંબઈ: મુંબઈ-પૂણે જૂના હાઈવે પર આસરેવાડી નજીક અજાણ્યા વાહને એક રીક્ષાને ટક્કર માર્યા બાદ આ રીક્ષા વિહાર કરી જૈન સાધુ તરફ ધસી ગઈ હતી. આ અકસ્માતમાં જોકે જૈન સાધુનો બચાવ થયો હતો પરંતુ તેમની સાથે જ વિહાર કરી રહેલા ૧૮ વર્ષના ખોપોલીના યુવકને રીક્ષાની ટક્કર વાગતાં ગંભીર ઈજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું.
મુંબઈ-પુણે જુના હાઈવે પરથી ઓટો ક્રમાંક ના ૪૧ વર્ષના કાંદિવલી રહેતાં ચાલક મહેન્દ્ર શંકર કદમ તેની રિક્ષાને મુંબઈ તરફ લઈ જતો હતો. તે વખતે ખાલાપૂર પોલીસ મથકના વિસ્તારમાં આસરેવાડી નજીક એક અજાણ્યા વાહને રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર બાદ તે રિક્ષા જૈન સાધુ સાથે વિહાર કરતાં ખોપોલીના ૧૮ વર્ષીય મીત વિનોદ જૈન સાથે અથડાઈ હતી. ગંભીર ઈજાઓને કારણે મીતનું મોત નીપજ્યું હતું.
આ દુર્ઘટનામાં વિહાર કરતાં જૈન સાધુને ઈજા નથી થઈ, પરંતુ રિક્ષાને ભારે નુકસાન થયું છે. આ અકસ્માત સમયે જૈન સાધુ સાથે ચારથી પાંચ લોકો ખોપોલી તરફ ચાલતાં આવી રહ્યા હતા.
ખાલાપૂર પોલીસ મથકમાં આ મામલે ગુનો દાખલ કરવાનો પ્રક્રિયા હાથ ધરાઈ હતી.