ધારાશિવમાં જેલ-ભરો આંદોલન : નાશિકમાં કાળી દિવાળી મનાવાશે

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
ધારાશિવમાં જેલ-ભરો આંદોલન : નાશિકમાં કાળી દિવાળી મનાવાશે 1 - image


મરાઠા આરક્ષણના ટેકામાં ગામેગામ  ઉકળતો ચરુ

એસટી બસો પર પથ્થરમારા તથા તોડફોડના બનાવોનો સિલસિલો યથાવતઃ ટાંકી પર ચઢી શોલે સ્ટાઈલ આંદોલન

મુંબઇ :  મરાઠા આરક્ષણની માગણી સાથે મનોજ જરાંગે પાટીલના ચાલી રહેલા આમરણ અનશનના ટેકામાં આજે રસ્તા- રોકો, જેલ-ભરો આંદોલન તેમજ બસો પર પથ્થરમારાના બનાવો ચાલુ રહ્યાં હતા. સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને બસોને નુકસાનીથી બચાવવા માટે આંદોલનગ્રસ્ત વિસ્તારોમાં બસો દોડાવવાનું જ બંધ કરી દીધું હતું. પરિણામે સામાન્ય લોકોએ તેમજ ખાસ કરીને ગામડેથી શહેરમાં ભણવા આવતા હજારો વિદ્યાર્થીઓએ પારાવાર હાલાકી ભોગવવાની નોબત આવી છે.

ધારાશિવ (ઉસ્માનાબાદ) જિલ્લામાં વિધાનસભ્ય કૈલાશ પાટીલની અટકાયત કરવામાં આવતા તેમના સમર્થકોએ જેલ-ભરો આંદોલનશરૃ કર્યું હતું. ઉસ્માનાબાદ શહેરમાં અને ગ્રામીણ વિસ્તારમાં આનંદનગર પાસે સેંકડો કાર્યકરો જમા થયા હતા અને જેલ-ભરો આંદોલનમાં જોડાયા હતા. આંદોલન વખતે ૪૨ કાર્યકરોને અટકમાં લેવામાં આવ્યા હતાં.

નાસિકના મરાઠા સમાજે આ વખતે કાળી દિવાળી મનાવવાનો નિર્ણય કર્યો છે. દિવાળીમાં મીઠાઇ, ફટાકડા નહીં ખરીદે અને દિવડા પણ નહીં પ્રગટાવે. ઉપરાંત કોઇ જગ્યાએ દિવાળીની રોશની કરવામાં નહી આવે અને કંડિલ પણ ટીંગાડવામાં નહીં આવે. જ્યાં સુધી મરાઠા આરક્ષણની માગણી નહીં સંતોષાય ત્યાં સુધી તેમનું વિરોધ આંદોલન ચાલુ જ રહેશે એવો ગઇ કાલની મીટીંગમાં ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો.

આંદોલનકારીઓ દ્વારા એસટી બસો પર કરવામાં આવતા પથ્થરમારાને લીધે પુણેના સ્વારગેટ ડેપોની પશ્ચિમ મહારાષ્ટ્ર તરફ જતી બધી જ બસો રદ કરવામાં આવી હતી. સંખ્યાબંધ બસો રદ કરવામાં આવતા એસટીએ ટિકિટની લાખોની આવક ગુમાવવી પડી છે.

નાગપુર અને મરાઠા વાડા વચ્ચે ૧૪ રૃટ ઉપર બસો દોડતી બંધ કરવામાં આવી હતી. મરાઠાવાડામાં એક જૂથે રસ્તારોકો આંદોલન કર્યું હતું. યેવલામાં એસટી બસની તોડફોડ કરવામાં આવતા યેવલા બસ ડેપો જ બંધ કરી દેવામાં આવ્યો હતો. આવી જ રીતે રત્નાગિરી જિલ્લાના ખેડથી મુંબઇ તરફની બસો રદ કરી દેવામાં આવી હતી. જળગાંવમાં પણ અનેક બસોની ફેરી અટકાવી દેવામાં આવી હતી.

દરમિયાન યેવલામાં યુવાનોએ મોબાઇલ ટાવર પર ચડીને શોલે સ્ટાઇલ આંદોલન છેડયું હતું.  

એસટી બંધ થતાં શહેર ભણવા જતા હજારો વિદ્યાર્થીઓની જીવના જોખમે મુસાફરી

આંદોલનકારીઓ બસની ઉપર પથ્થરમારો કરી અને આગચંપી કરી પોતાના પગ ઉપર જ કુહાડો મારી રહ્યા છે. કારણ કે એસટી દ્વારા એક પછી એક બસ ડેપો બંધ કરવાની શરૃઆત કરવામાં આવતા પોતાના જ ગામના લોકો અને ખાસ કરીને ગામડામાંથી શહેરમાં ભણવા જતા વિદ્યાર્થીઓની હાલાકીનો કોઇ પાર નથી રહ્યો. બસ સેવા ખોરવાતા તેમણે ટેમ્પો કે ટ્રકમાં ઘેંટા- બકરાની જેમ ભીંસાઇને જનું પડે છે. આ પરિસ્થિતિમાં અકસ્માતનું પણ જોખમ ઝળુંબે છે.

મહારાષ્ટ્ર એસ.ટી. અગાઉથી જ આર્થિક સંકટનો સામનો કરી રહી છે ત્યારે બીજી તરફ મરાઠા આંદોલનકારીઓએ એસટીને કરોડો રૃપિયાનું નુકસાન કર્યું છે. 

પુણેમાં સામૂહિક મૂંડન, વાળ સીએમને મોકલ્યા

પુણેના ભોર પંચાયત સમિતિ સામે મરાઠા સમાજના તરુણોએ સામૂહિક મુંડન કરીને કાપેલા વાળ રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બધા નેતાઓને પોસ્ટ કર્યા છે. મરાઠા આરક્ષણ ન આપનારી સરકારના વિરોધમાં મુંડન કરીને વાળ મંત્રાલય અને નેતાઓના સરનામે મોકલાવીને નારાજગી બતાવી હતી.

નાસિકના ગામોમાં કેન્ડલ માર્ચ

મરાઠા આરક્ષણની માગણીના સમર્થનમાં નાશિક નંદગાવ તાલુકાના હિસવળ બુદ્રક ખાતે મરાઠા સમાજના પુરુષો અને મહિલાએ મોટી સંખ્યામાં હાથમાં મીણબત્તી લઇને સરકારનો વિરોધ પ્રગટ કર્યો હતો. મરાઠા સમાજને આરક્ષણ મળશે નહીં ત્યાં સુધી તીવ્ર આંદોલન ચાલુ રહેશે એવી ચીમકી.

યેવલા બજાર સમિતિ બંધ

યેવલા તાલુકાના અનેક ગામડામાં સાંકળી ઉપવાસ દ્વારા મનોજ જરાંગે પાટીલના બે મુદત ઉપવાસને સમર્થન આપવામાં આજે બજાર સમિતિમાં કાંદા સહિત અન્ય લિલામની પ્રક્રિયા બંધ રાખી હતી.



Google NewsGoogle News