જેક્લિનને ખબર જ હતી કે પોતે વાપરે છે એ ઠગાઈના પૈસા છે
જેક્લિનની સુકેશ સાથે પૂરેપૂરી મિલીભગત
ગૂનો રદ કરવાની જેક્લિનની અરજી સામે દિલ્હી હાઈકોર્ટમાં ઈડી દ્વારા દલીલ
મુંબઈ : સુકેશ ચન્દ્રશેખર કેસમાં જેક્લિન પોતે પીડિત હોવાનો દાવો કરે છે પણ એ વાત ખોટી છે. જેક્લિનની સુકેશ સાથે પૂરેપૂરી મિલીભગત હતી અને તેને ખબર જ હતી કે સુકેશે ઠગાઈ દ્વારા આ પૈસા મેળવ્યા છે અને તે છતાં પણ તેણે આ પૈસા ઉડાવવાનું ચાલુ રાખ્યું હતું તેવી દલીલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરવામાં આવી છે.
જેક્લિનને ૨૦૦ કરોડના કેસમાં મની લોન્ડરિંગની આરોપી બનાવવામાં આવી છે. તેની સામે આરોપ છે કે સુકેશ પાસેથી પૈસા અને મોંઘી ગિફ્ટ સોગાદ સ્વીકારીને તેણે વાસ્તવમાં સુકેશને ઠગાઈનાં નાણાં સગેવગે કરવામાં મદદ કરી હતી.
જેક્લિને પોતાની સામેનો ગુનો રદ કરવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે પરંતુ આ અરજીનો વિરોધ કરતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જણાવ્યું હતું કે જેક્લિનનો પોતાને સુકેશની ઠગાઈ વિશે કોઈ જ માહિતી નહીં હોવાનો દાવો સદંતર ખોટો છે. જેક્લિન સુકેશ સાથે સંડોવાયેલી છે. તેને પહેલેથી બધી જ ખબર હતી. તેને એ પણ ખબર હતી કે સુકેશે આ પૈસા ખોટી રીતે મેળવ્યા છે. તેમ છતાં પણ તેણે સુકેશને મદદ કરી હતી.
જસ્ટિસ મનોજ કુમાર ઓરી સમક્ષ ઈડીએ પોતાની દલીલો રજૂ કર્યા બાદ જેક્લિનના વકીલે તેનો જવાબ રજૂ કરવા માટે કોર્ટ પાસે મુદ્દતની માગણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે સુકેશ સતત જેક્લિનને પોતાની પ્રેમિકા ગણાવતો રહે છે. જોકે, જેક્લિન તેનો આ દાવો નકારતી રહી છે. જેક્લિને તાજેરમાં પણ કોર્ટમાં એક અરજી કરી સુકેશને જેલમાં બેઠા બેઠા તેને પ્રેમ પત્રો લખતો તથા તે પ્રેમપત્રોનું મીડિયામાં પ્રસારણ અટકાવવાનો આદેશ આપવાની માગણી કરતી એક અરજી કરી છે.
જેક્લિનના દાવા અનુસાર સુકેશે પોતાના સંપર્કો અને બિઝનેસ વિશે મોટા મોટા ખોટા દાવા કર્યા હતા. તેણે જેક્લિન માટે જંગી બજેટની ફિલ્મ પ્રોડયૂસ કરવાનું પણ વચન આપ્યું હતું. વાસ્તવમાં પોતે પણ સુકેશની ઠગાઈનો ભોગ બની છે એવી જેક્લિનની દલીલ છે.