મની લોન્ડરિંગનો કેસ રદ કરાવવા જેક્લિન દિલ્હી હાઈકોર્ટમાં
પોતે સુકેશની વિકટીમ હોવાનું કહ્યું
ઈડીએ નોરા ફતેહીને ક્લિનચીટ આપી તો મને કેમ નહીં તેવી દલીલ
મુંબઇ : જેક્લિન ફર્નાન્ડિસે ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલ ૨૦૦ કરોડના મની લોન્ડ્રિંગ મામલામાં દિલ્હી હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. અભિનેત્રી એ પોતે નિર્દોષ હોવાનું જણાવી પોતાની સામેનો કેસ રદ કરવા માગણી કરી છે.
યાચિકામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ખોટા માર્ગે કમાયેલા ધનને સફેદ કરવામા ંતેની ભાગીદારી સાબિત કરે એવી કોઇ કડી નથી. તેથી તેના પર પ્રિર્વેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ ૨૦૦૨ની ધારા ૩ અને ૪ હેઠળ અપરાધ બનતો નથી. જેકલિને એમ પણ કહ્યું છે કે, તેની સાથે ઓરમાયું વર્તન કરવામાં આવ્યું છે. તે બ્લેક મનીને વ્હાઇટ કરવાનો ગુનો તેમજ અન્ય કોઇ પણ ગુનામાં સંડોવાયેલી નથી તેમ પણ તેને યાચિકામા જણાવ્યું છે.
જેક્લિને એ બાબતે પણ ધ્યાન દોર્યું છે કે ઈડી દ્વારા અન્ય ડાન્સર નોરા ફતેહીને ક્લિનચીટ આપી દેવામાં આવી છે. જો નોરાને સુકેશની ઠગાઈનો ભોગ બનેલી ગણવામાં આવી હોય તો મારી સાથે પણ તેવું જ બન્યું છે.
ઉલ્લેખનીય છે કે સુકેશ ચન્દ્રશેખર જેક્લિનને પોતાની પ્રેમિકા ગણાવે છે. તેણે તાજતરમાં પણ તિહાર જેલમાંથી જેક્લિનને લવ લેટર પાઠવ્યો હતો.