મની લોન્ડરિંગ કેસમાં ઈડીના સમન્સ છતાં જેક્લિન હાજર ન થઈ
જેક્લિન સામે વધુ પુરાવા મળ્યા હોવાનો દાવો
જેક્લિને ગેરહાજર રહેવા માટે પોતાની તબિયત બરાબર નહીં હોવાનું બહાનું કાઢ્યું
મુંબઈ : ફિલ્મ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝને ૨૦૦ કરોડના મની લોન્ડરિગં કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ફરી સમન્સ પાઠવી આજે હાજર થવા જણાવાયું હતું. જોકે, જેક્લિન આજે ઈડી સમક્ષ હાજર રહી ન હતી. તેણે પોતાની તબિયત સારી નહીં હોવાનું બહાનું કાઢ્યું હતું.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દાવા અનુસાર જેક્લિન સામે વધુ કેટલાક પુરાવા મળ્યા છે. આથી તેની વધુ પૂછપરછ જરુરી બની છે.
જોકે, આજે સમગ્ર દિવસ વીતી જવા છતાં પણ જેક્લિન ઈડી સમક્ષ હાજર થઈ ન હતી. તેને બદલે તેની લીગલ ટીમ ઈડીની ઓફિસે પહોંચી હતી. તેણે ઈડીના અધિકારીઓને જણાવ્યું હતું કે નાદુરસ્ત તબિયતના કારણે જેક્લિન આજે આવી શકે તેમ નથી.
જેક્લિનની ગેરહાજરી બાદ ઈડી તેની સામે નવી કોઈ તારીખના સમન્સ જાહેર કરે તેવી સંભાવના છે.
આ કેસમાં ઈડી અગાઉ પણ જેક્લિનની પાંચ વખત પૂછપરછ કરી ચૂકી છે. આ કેસમાં તેની સામે ચાર્જશીટ પણ ફાઈલ થઈ ચૂકી છે અને તેની કેટલીક સંપત્તિ પણ સ્થગિત કરવામાં આવી છે.
ઈડીના આરોપ અનુસાર જેક્લિનને સુકેશે ગુન્હાઈત રીતે નાણાં મેળવ્યાં હોવાનું જાણતી હતી અને તેમ છતાં પણ તેણે સુકેશ પાસેથી મોંઘીદાટ ગિફ્ટ મેળવવાનું ચાલુ રાખ્યું હતું. આ રીતે તેણે સુકેશના ગુનાઈત કમાણીના નાણાં સગેવગે કરવામાં મદદ કરી મની લોન્ડરિંગમાં તેની મદદગાર બની હતી.
સુકેશનો નવો લવ લેટર, જેક્લિનને ટૂરનું વચન , તેના ૧૦૦ ચાહકોને આઈફોન ગિફ્ટ કરશે
સુકેશ ચન્દ્રશેખરે જેલમાંથી જેક્લિનને વધુ એક લવ લેટર પાઠવ્યો છે. તેણે આ લવ લેટરમાં લખ્યું છે કે આ કાનૂની જંજાળમાંથી મુક્ત થયા બાદ તે જેક્લિનને પ્રાઈવેટ જેટ દ્વારા ટૂર પર લઈ જશે. તેણે એવી પણ જાહેરાત કરી છે કે જેક્લિનના આગામી ૧૧મી ઓગસ્ટના જન્મદિવસે તે તેના ૧૦૦ ચાહકોને આઈફોન ગિફ્ટ કરશે. સુકેશે લખ્યું છે કે તે જેક્લિનના પ્રેમના હેંગઓવરમાં છે. જોકે, જેક્લિન સુકેશ સાથે તેને કોઈ સંબંધ હોવાનું અગાઉ જ નકારી ચૂકી છે. તેણે સુકેશ દ્વારા તેને લખાતા પત્રો મીડિયામાં પ્રગટ થવા સામે અગાઉ કોર્ટમાં અરજી પણ કરી હતી.