સુકેશ જેલમાં બેઠા ધમકીઓ આપે છે તેવી જેક્લિનની ફરિયાદ
દિલ્હી પોલીસને રજૂઆત કરી
પોતે આરોપી નહીં પણ પીડિત હોવાનું સાબિત કરવા માટે જેક્લિનનો પ્રયાસ
મુંબઇ : ૨૦૦ કરોડના ખંડણી કૌભાંડનો આરોપી સુકેશ ચન્દ્રશેખર પોતાને જેલમાંથી ધમકીઓ આપી રહ્યો હોવાની ફરિયાદ જેક્લિન ફર્નાન્ડિઝે દિલ્હી પોલીસને કરી છે.
દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓને કરેલી રજૂઆતમાં જેકલિને વધુમાં કહ્યું છે કે, સુકેશ એક ઠગ છે અને મને જેલમાંથી ધમકી આપીને હેરાન કરી રહ્યો છે. માનસિક રીતે તે મને દબાણ કરી રહ્યો છે.
જેકલિને સુકેશ સામે ગુનો દાખલ કરવાની માગણી કરી છે.
સુકેશ સતત એવો દાવો કરે છે કે જેક્લિન તેની પ્રેમિકા છે. ઈડીના આરોપ અનુસાર જેક્લિને સુકેશે ખંડણીમાંથી મેળવેલી રકમ સગેવગે કરવામાં મદદ કરી હતી. ઈડીએજેક્લિનને સહ આરોપી ગણી છે. જેક્લિને પોતાની સામેનો કેસ રદ કરવા કોર્ટમાં અરજી કરી છે તેનો પણ ઈડીએ વિરોધ કર્યો છે.
જેક્લિનના દાવા અનુસાર પોતે સુકેશ કેસમાં સહ આરોપી નહીં પણ સુકેશની ઠગાઈનો ભોગ બનેલી પીડિત છે. અગાઉ જેક્લિને સુકેશ દ્વારા જેલમાંથી પોતાને પાઠવાતા લવ લેટર અને તેની મીડિયામાં પ્રસિદ્ધિ અટકાવવા પણ માગણી કરી હતી.