મહારાષ્ટ્રમાં કોંગ્રેસને જેકપોટઃ બેઠક 1માંથી વધીને 13 થઈ ગઈ
ગઈ ચૂંટણીમાં ચન્દ્રપુરની એકમાત્ર બેઠક મળી હતી
વિપક્ષી યુતિમાં કોંગ્રેસ વધારે પાવરફૂલ બનશે, વિધાનસભા ચૂંટણી માટે વધારે બેઠકોની માગણી કરી શકશે
મુંબઈ : મહારાષ્ટ્રમાં આ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને રીતસરનો જેકપોટ લાગ્યો છે. ગત ચૂંટણીમાં તેને માત્ર એક જ બેઠક મળી હતી પરંતુ આ વખતે તેની બેઠકો વધીને ૧૩ થઈ ગઈ છે.
ગઈ ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર ચન્દ્રપુરની બેઠક મળી હતી. આ વખતે તેણે ચન્દ્રપુરની બેઠક જાળવી રાખી છે અને તે ઉપરાંત મુંબઈ ઉત્તર મધ્ય, અમરાવતી, નંદુરબાર, લાતુર, સોલાપુર, કોલ્હાપુર, જાલના, નાંદેડ, ગઢચિરોલી, ભંડારા ગોંદિયા, રામટેક તથા ધૂળેની બેઠકો પર વિજય મેળવ્યો છે.
કોંગ્રેસ રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી પડકારો સહન કરી રહી હતી. લોકસભા ચૂંટણી પહેલાં જ તેના અશોક ચવ્વાણ, મિલિંદ દેવરા, સંજય નિરુપમ સહિતના નેતાઓ કોંગ્રેસ છોડી શાસક યુતિમાં જતા રહ્યા હતા.
ગત વિધાનસભા ચૂંટણીમાં શિવસેના તથા એનસીપી સાથે યુતિના કારણે કોંગ્રેસ સત્તા પર આવી હતી. પરંતુ શિવસેનામાં ભાગલા પડતાં ઉદ્ધવ ઠાકરે સરકારનું પતન થતાં કોંગ્રેસની સત્તામાં એ ભાગીદારી પણ છિનવાઈ ગઈ હતી અને તેણે ફરી વિપક્ષની પાટલી પર બેસવાનો વારો આવ્યો હતો.
જોકે, તેમ છતાં પણ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પરફોર્મન્સ આશ્ચર્યજનક છે. ભાજપમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ૧૮ સભા કરી હતી તેની સામે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ માંડ બે-ચાર સભા કરી હતી. રાહુલ ગાંધીએ મુંબઈમાં તો એક પણ સભા યોજી ન હતી.
હવે આ પરિણામોને લીધે વિપક્ષી યુતિમાં કોંગ્રેસ વધારે શક્તિશાળી બનશે. આગામી વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની ખેંચતાણ થશે ત્યારે કોંગ્રેસ આ પરફોર્મન્સના આધારે વધારે બેઠકો માગશે તે સ્વાભાવિક છે.