વાસના નહીં પ્રેમ હતોઃ 13 વર્ષની પ્રેયસી પર રેપના આરોપીને જામીન
13 વર્ષની પીડિતાએ પોતે પ્રેમમાં સ્વેચ્છાએ ઘર છોડયાનું કબૂલ્યું
ઘરેથી ભાગ્યા બાદ અનેક ઠેકાણે સાથે રહ્યા પણ તરુણીએ બળજબરીની ફરિયાદ નથી કરીઃ નાગપુર હાઈકોર્ટનો ચુકાદો
મુંબઈ : સગીર બાળા પર બળાત્કાર કરવાના આરોપસર પકડાયેલા યુવકને બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે જામીન આપતી વખતે નિરીક્ષણ કર્યું હતું કે કથિત જાતીય સંબંધો વાસનાને લીધે નહીં પણ એકમેકના પ્રેમને લીધે હોવાનું જણાય છે. કેસમાં પીડિતા સગીરા હોવા છતાં તે પોતાના માતાપિતાનું ઘર સ્વેચ્છાએ છોડીને ગઈ હોવાનું તેણે પોલીસને નિવેદનમાં જણાવ્યું હોવાનું સિંગલ જજ ન્યા. ઉર્મિલા જોશી ફાલકેએ નોંધ્યું હતું.
પોલીસને આપેલા નિવેદનમાં તેણે આરોપી પ્રત્યે પ્રેમ સંબંધ કબૂલ્યો હોવાનું કહેવાય છે. આરોપી સાથે વિવિધ ઠેકાણે રહેવા છતાં ક્યારેય બળજબરીથી ભગાડી જવાયાની ફરિયાદ કરી નહોતી. આથી પ્રેમ સંબંધને લીધે તે આરોપી સાથે ગઈ હોવાનું જણાય છે. આરોપી પણ ૨૬ વર્ષની કુમળી વયનો છે, પ્રેમ થયો હોવાથી બંને ભેગા થયા છે. આકર્ષણને લઈને બંને વચ્ચે જાતીય સંબંધ બંધાયા હોવાનું જણાય છે, એવું નથી કે વાસના સંતુષ્ટી માટે પીડિતા પર આરોપીએ અત્યાચાર કર્યો હોય, એમ કોર્ટે નોંધ્યું હતું.
સરકારી પક્ષના જણાવ્યા અનુસાર અરજદાર આરોપી ૧૩ વર્ષની સગીરાના પાડોશમાં રહેતો હતો. ૨૩ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ પીડિતા બહેનપણી પાસેથી ચોપડી લેવા જતી હોવાનું બહાનું કરીને ઘરમાંથી જતી રહી હતી. પરિવારે તાસ ચલાવતાં ક્યાંય મળી નહોવાથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તપાસમાં પીડિતા અરજદાર આરોપી સાથે હોવાનું અને બંને બેન્ગ્લોરમાં હોવાનું જણાયું હતું. પાછા ફરતાં પોલીસે અરજદારની ધરપકડ કરી હતી અને ૩૦ ઓગસ્ટ ૨૦૨૦થી તે જેલમાં છે.
સરકારી પક્ષે દલીલ કરી હતી કે કેસ હીચકારો છે અને પીડિતા સગીર છે. જાતીય સંબંધમાં તેની સંમતિને કોઈ મહત્ત્વ નથી. આથી આરોપીને દયા દાખવવામાં આવે નહીં.
કોર્ટે કેસની હકીકતને ધ્યાનમાં લઈને નોંધ કરી હતી કે ૨૦૨૦માં કેસ દાખલ થયો અને આરોપનામું પણ દાખલ થવા છતાં સુનાવણીમા ંકોઈ પ્રગતિ નથી. સુનાવણીને કેસનો નિકાલ કરવામાં સમય લાગશે. આબધું ધ્યાનમા ંરાખીને અરજદારને જેલમાં ગોંધી રાખવાથી કોઈ હેતુ બર આવવાનો નથી, એમ નોંધીને કોર્ટે તેને શરતોને આધીન જામીન આપ્યા હતા.