મુલુન્ડમાં પ્રતિક્રમણ દરમ્યાન જ જૈન શ્રાવકે દેહ મૂક્યો
પર્યુષણ પર્વમાં પ્રભુનું તેડું
લાખો પ્રયાસે ન મળે તેવી મુક્તિ ક્ષણભરમાં શ્રાવકને મળતાં સમગ્ર સમુદાયમાં ઘટના વાયરલ
મુંબઇ -અત્યારે જૈન સમુદાયનો મહાપર્વ પર્યુષણ ચાલી રહ્યો છે. ત્યારે મુલુન્ડના તાંબેનગરમા સોમવારે રાત્રે પ્રતિક્રમણ પત્યા બાદ કટાસણા પર બેઠાં બેઠાં જ એક જૈન શ્રાવક મફતભાઈ સોનિગરાએ દેહત્યાગ કર્યો હતો.
મુલુન્ડ પશ્ચિમના તાંબેનગરમાં દેરાસર વિસ્તારમાં અમૃત ટાવરમાં ચોથે માળે ગૌડવાલ ઓસવાલ જૈન સમાજના ૪૩ વર્ષીય શ્રાવક મફતભાઈ બાબુલાલજી સોનિગરા રહેતા હતાં. દરમ્યાન સોમવારે સાંજે પાંચમે માળે તેઓ પ્રતિક્રમણ કરી રહ્યા હતા. અતિચાર બોલાઈ ગયો હતો અને ક્ષમાપના પણ થઈ ગઈ હતી. તેવે સમયે અચાનક જ તેમને હૃદયરોગનો હુમલો આવતાં કટાસણા પર બેઠાં બેઠાં જ તેઓ દેવલોકને પામ્યા હતા. મુલુન્ડમાં જ તેમની દુકાન પણ હોવાથી માર્કેટમાં પણ શોકની લાગણી ફરી વળી હતી.
પર્યુષણના મહાપર્વ દરમ્યાન આવો દેહ ત્યાગ થાય ત્યારે નક્કી આત્મા દેવલોક કે મહાવિદેહમાં ગયો હશે તેવી લાગણી જૈન સમુદાયના લોકોએ વ્યક્ત કરી હતી.