એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદિપ શર્માના ઘરે આઈટીના દરોડા
આગોતરી જાણ થઈ જતાં શર્મા ઘરની બહાર નીકળી ગયા
શર્માના પવઈના ઘરે આઈટી અધિકારીઓ સાથે તકરાર થતાં પોલીસ પણ બોલાવવી પડીઃ યુપીમાં રિયલ એસ્ટેટમાં રોકાણો અંગે કાર્યવાહી
મુંબઈ: ઈન્કમ ટેક્સ વિભાગે એન્કાઉન્ટર સ્પેશિયાલીસ્ટ અને નિવૃત્ત પોલીસ ઈન્સ્પેક્ટર પ્રદીપ શર્માના પવઈ સ્થિત નિવાસસ્થાને આજે દરોડા પાડયા હતા. આઈટીની કાર્યવાહી દરમિયાન શર્માનો અધિકારીઓ સાથે ઝઘડો થયો હોવાનું કહેવાય છે. આથી આવકવેરા વિભાગે મદદ માટે મુંબઈ પોલીસને બોલાવી હતી. શર્માના ઘરે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ વિધાનસભ્ય અને બિઝનેસમેનના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. પવઈમાં એવરેસ્ટ હાઈટ બિલ્ડિંગમાં પ્રદીપ શર્માના ઘરે આજે સવારે લગભગ આઠ વાગ્યે આવકવેરા વિભાગના અધિકારીઓએ દરોડા પાડયા હતા. શર્માને તેમના ઘરે દરોડા પાડવામાં આવશે. પહેલાથી જ એવા સંકેત મળી ગયા હોવાનું કહેવાય છે. આથી શર્મા સવારે સાડા સાત વાગ્યે ઘરની બહાર નીકળી ગયા હતા.
ઈન્કમ ટેક્સ વિભાગના ઓફિસર સવારે આઠ વાગ્યે શર્માના ઘરે પહોંચ્યા ત્યારે તે ઘરે ન હોવાની ખબર પડી હતી. આથી તેમણે બિલ્ડિંગના સીસીટીવી ચેક કર્યા હતા. એમાં શર્મા સાડા સાત વાગ્યે ઘરની બહાર જતા રહ્યા હોવાનું જોવા મળ્યું હતું.
છેવટે સવારે ૧૧ વાગ્યે શર્મા પોતાની કાર બહાર મૂકીને ઘરે પાછા આવ્યા હતા. તેમણે આમ શા માટે કર્યું તે હજુ સ્પષ્ટ નથી. શર્માના ઘરમાં તેમનો આવકવેરા અધિકારીઓ સાથે વિવાદ થયો હતો. ઘરમાં મહિલા સાથે પણ ઝઘડો થયો હોવાનું કહેવાય છે. આથી સાવચેતીના પગલાં તરીકે સશસ્ત્ર મહિલા પોલીસ અધિકારીને ઘરે બોલાવવામાં આવી હતી.
અધિકારીઓ તેમની સાથે દબાણ કરી રહ્યા છે અને અમારા મોબાઈલ ફોન છીનવી રહ્યા છે. એવો આરોપી શર્માએ કર્યો હતો. શર્માની પુત્રીએ મીડિયા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આવકવેરા અધિકારીઓએ તેને મીડિયા સાથે વાત કરતા અટકાવી હતી.
ઈન્કમ ટેક્સ વિભાગની કાર્યવાહી કલાકો સુધી ચાલુ હતી. પ્રદીપ શર્માના ઉત્તર પ્રદેશના એક બિલ્ડર સાથેના ધંધાકીય સંબંધોને કારણે દરોડા પાડવામાં આવ્યા હોવાનું કહેવાય છે. ઉત્તર પ્રદેશના દિવંગત સાંસદ અને તેમના પુત્રના બિઝનેસમાં શર્માએ રોકાણ કર્યું હોવાની ચર્ચા થઈ રહી છે. શર્મા ઉપરાંત એક આઈએએસ અધિકારી પણ આ વ્યવસાયમાં સામેલ હોવાનું કહેવાય છે.
શર્માના નિવાસસ્થાન ઉપરાંત આઈટી ઓફિસરે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ધારાસભ્ય બિઝનેસમેન ઘનશ્યામ દુબેને ત્યાં તપાસ લંબાવી હતી. દુબે ગયા વર્ષે જાન્યુઆરીમાં કાનૂની તપાસ હેઠળ આવ્યા હતા. ઉત્તર પ્રદેશ પોલીસે જમીન પડાવી લેવા બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હોવાનો તેમના પર આરોપ છે.
ઉત્તર પ્રદેશના ભદોહીના રહેવાસી દુબે તેના ડ્રાઈવર હરિપ્રસાદ અને ભદોહીના ભૂતપૂર્વ સબરજિસ્ટ્રાર આ કેસમાં સામેલ હતા.
શર્મા હાલ એન્ટિલિયા કેસમાં જામીન પર
મુંબઈ: વર્ષ ૧૯૮૩માં પ્રદીપ શર્મા પોલીસ ફોર્સમાં જોડાયા હતા. તેમની કારકિર્દી ખૂબ જ વિવાદાસ્પદ રહી હતી. શર્માને રામનારાયણ ગુપ્તા ઉર્ફે લખનભૈયાના કથિત બનાવટી એકાઉન્ટર અને કુખ્યાત ડોન દાઉદ ઈબ્રાહીમ સાથેનો સંબંધ હોવાના આરોપને પગલે વર્ષ ૨૦૦૮માં નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સિવાય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈમાં નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર વિસ્ફોટક ભરેલી ગાડી મળવા અને આ ગાડીના માલિક મનસુખ હિરેનની હત્યાના પ્રકરણમાં પ્રદીપ શર્માની ધરપકડ કરાઈ હતી. તેમને જેલમાં રાખવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ ૨૦૨૩ તેમને જામીન આપ્યા હતા.