આઈપીએસ રશ્મિ શુક્લા મહારાષ્ટ્રનાં નવા પોલીસ વડા
ફોન ટેપિંગમાં નિર્દોષ ઠર્યા બાદ નિયુક્તિ
હાલના પોલીસ વડા રજનીશ શેઠની મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનમાં બદલી
મુંબઈ : ફોન ટેપિંગ કેસમાં નિર્દોષ ઠરેલાં આઈપીએસ અધિકારી રશ્મિ શુક્લા મહારાષ્ટ્રનાં પહેલાં મહિલા ડીજીપી બન્યાં છે. મહાવિકાસ આઘાડી સરકાર વખતે તેમને ફોન ટેપિંગ કેસના આરોપી બનાવાયાં હતાં. જોકે, રાજ્યમાં સત્તા પરિવર્તન બાદ તેમને ક્લિન ચીટ મળી હતી. હાલના પોલીસ વડા રજનીશ શેઠને મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનમાં ખસેડાયા છે.
રશ્મિ શુક્લાની નિયુક્તિનો નિર્ણય મહાવિકાસ આઘાડી માટે લપડાક હોવાનું માનવામાં આવે છે. શુક્લા ૧૯૮૮ની બેચના આઈપીએસ અધિકારી છે. રશ્મિ શુક્લા ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં સ્ટેટ સીઆઈડીના વડા તરીકે ફરજ બજાવતા હતા. આ પદનો દુરુપયોગ કરી તેમણે વિરોધી પક્ષના નેતાઓના ફોન ટેપ કર્યા હોવાનો આરોપ તેમની સામે કરવામાં આવ્યો હતો. આ પ્રકરણે તેમની સામે મુંબઈના કોલાબા અને પુણેમાં બે ગુના દાખલ કરવામાં આવ્યા હતા. મહાવિકાસ અઘાડીના કાર્યકાળમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજ્યમાં સત્તા બદલતાની સાથે જ પુણેમાં નોંધાયેલ ગુનામાં ખટલો ચલાવવાનું સરકારે નકારી કાઢતા બોમ્બે હાઈકોર્ટે તેમની સામે નોંધાયેલી બન્ને એફઆઈઆર રદ્દ કરી હતી. તે પછી તેમને રાજ્ય પોલીસમાં કોઈ મહત્વની જવાબદારી સોપાંશે તેવી અટકળો લાંબા સમયથી વ્યક્ત થતી હતી.