Get The App

વિષ્ણુ મનોહરને 5 હજાર કિલો હલવાનો પ્રસાદ બનાવવા આમંત્રણ

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News
વિષ્ણુ મનોહરને 5 હજાર કિલો હલવાનો પ્રસાદ બનાવવા આમંત્રણ 1 - image


રામલલાની સ્થાપનાને દિવસે મહારાષ્ટ્રના શેફ મોં મીઠું કરાવશે

1 હજાર કિલો ઘીનો ઉપયોગ કરાશે, હજારો કિલોની ખિચડીનો રેકોર્ડ બનાવનારા શેફ 2 કલાકમાં 5000 કિલોનો પ્રસાદ તૈયાર કરશે

મુંબઇ :  અયોધ્યાના રામમંદિરમાં ૨૨ જાન્યુઆરીના રોજ દેશભરના વિવિધ મહંતોના હસ્તે પૂજન કરી રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. એ દિવસે સૌનું મોં મીઠું કરાવવા માટે મહારાષ્ટ્રના પ્રસિદ્ધ શેફ વિષ્ણુ મનોહર પાંચ હજાર કિલોનો હલવો તૈયાર કરશે. તે માટે બે-ત્રણ વાર પ્રેક્ટિકલ્સ પણ તેમણે કરી લીધી છે. જોકે આ માટે તેઓ એક દિવસ પહેલાં જ તમામ તૈયારીઓ કરી માત્ર બે કલાકમાં પાંચ હજાર કિલોનો હલવો તૈયાર કરશે. આ હલવામાં એક હજાર કિલો શુદ્ધ ઘી વાપરવામાં આવશે, એ પણ એક અનોખો પ્રયોગ છે. 

આ સંદર્ભે વિષ્ણુ મનોહરના જણાવ્યાનુસાર, દરેક વખતે ખિચડી તૈયાર કરતો હોઉં છું. છતાંય પ્રસાદનો શીરો કે હલવો બનાવવો એ થોડું કપરું કામ છે. તે બાબતે કેન્દ્ર સરકારની પરવાનગી લીધી છે અને હલવો બનાવવા એક વિશિષ્ટ જગ્યાની પસંદગી કરી છે. ત્યાં જ અમે પ્રસાદ તૈયાર કરી ભક્તોને આપીશું. મને આ તક મળી એ મારું સૌભાગ્ય છે અને ઈશ્વરની કૃપાથી જ હું આવા વિક્રમો કરી શકું છું.

ખિચડી તૈયાર કરવામાં વિવિધ વિક્રમો સ્થાપી ચૂકેલા જાણીતા શેફ વિષ્ણુ મનોહરે તાજેતરમાં માત્ર ૩ કલાકમાં ૬૦૦૦ કિલોની ખિચડી બનાવી વિક્રમ સ્થાપ્યો હતો. જેમાં તેમણે ૨૦૦ કિલો મગદાળ, ૨૦૦ કિલો તૂવેર દાળ, ૧૦૦૦ કિલો ચોખા, ૧૦૦ કિલો ચણાની દાળ, ૨૦૦ કિલો શિંગદાણા, ૩૦૦ કિલો કોબી તેમજ ૩૦૦ કિલો ગાજર, ૨૨૫ લિટર તેલ, ૭૫ લિટર ઘી, ૧૦૦ કિલો મીઠું, ૫૦ કિલો હળદર, ૧૦૦ કિલો મરચાં અને ૩૦૦૦ લિટર પાણી સહિતની અનેક ખાદ્યસામગ્રી વાપરી હતી.



Google NewsGoogle News