ભારતીય અર્થતંત્ર પર હુમલાની પન્નુની વોઈસ ક્લિપ વિશે તપાસ શરુ
મુંબઈના અનેક કોર્પોરેટ હાઉસને મળેલી વોઈસ ક્લિપનું એનાલિસીસ
બીએસઈ-એનએસઈ પર વિસ્ફોટ નહીં કરીએ પણ નાદાર બનાવી દેશું તેવી ચિમકી આપી છેઃ 12મી માર્ચના વિસ્ફોટની વરસીથી હુમલો
મુંબઇ : મુંબઈમાં ૧૯૯૩માં ૧૨મી માર્ચે વિસ્ફોટો થયા હતા. હવે આ વિસ્ફોટની વરસીએ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જૂ તોડી નાખવાની ચિમકી આપતી ખાલિસ્તાની નેતા ગુરપતવંતસિંહ પન્નુની વાક્સ ક્લિપ કેટલાંક કોર્પોરેટ ગૃહો તથા મીડિયાને મોકલાઈ છે. મુંબઈ પોલીસે આ વોઈસ ક્લિપ વિશે તપાસ ચાલુ કરી છે.
મુંબઇના કેટલાક મીડિયા હાઉસ અને કોર્પોરેશને વોંઇસ ક્લિપ મળી હતી એમાં પન્નુએ દાવો કર્યો હતો કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો ડી-ડે ૧૨ માર્ચથી શરૃ થશે. અમે હવે ભારતીય અર્થતંત્રને નષ્ટ કરવા જઇ રહ્યા છીએ. અમે સ્ટોક એક્સચેન્જો પર બોમ્બ વિસ્ફોટ નહી કરીએ પરંતુ અંતે તેમને નાદાર બનાવીશું. ભારતીય સ્ટોકનું વેચાણ કરો અને ૧૨ માર્ચ પહેલા અમેરિકન સ્ટોક ખરીદો.
વોઇસ નોટમાં વધુમાં એમ જણાવવામાં આવ્યું હતું કે ભારત આંતરરાષ્ટ્રીય આતંકવાદ માટે જવાબદાર છે અમે ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુને તોડી નાખવા જઇ રહ્યા છીએ.
કોર્પોરેશ અને યૂઝ એજન્સીઓએ મુંબઇ પોલીસ તથા અન્ય ગુપ્તચર એજન્સીઓને વોઇસ ક્લિપની જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે નંબર ટ્રેસ કરવાનું શરૃ કર્યું હતું.
વિદેશી નંબર પરથી વોઇસ ક્લિપ મોકલવામાં આવી હતી. ૧૨ માર્ચે મુંબઇ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટની વર્ષગાંઠ છે. બ્લાસ્ટ વખતે બીએસઇ બિલ્ડિંગને પણ નિશાન બનાવવામાં આવી હતી.
અગાઉ પન્નુએ ૩૦ ડિસેમ્બરે નરેન્દ્ર મોદીના અયોધ્યા રોડ શૉને રોકવા માટે એક વીડિયો મેસેજમાં મુસ્લિમોને ઉશ્કેર્યા હતા. ત્યાર બાદ ગુપ્તચર એજન્સી હાઇએલર્ટ પર હતી. ખાલિસ્તાની નેતાએ આઇસીસી વર્લ્ડપર ફાઇનલને રોકવાની અને બાદમાં ભારતના સસંદભવન પર હુમલો કરવાની પણ ધમકી આપી હતી. તેણે વૈશ્વિક શીખ સમુદાયને એર ઇન્ડિયાની ઉડાન સામે પણ ચેતવણી આપી હતી.
નવેમ્બર, ૨૦૨૩માં યુએસ ફેડરલ પ્રોસિક્યુટર્સે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર અમેરિકામાં પન્નુનની હત્યા કરવા માટેનો આરોપ મૂક્યો હતો.