હોર્ડિંગ દુર્ઘટનામાં તત્કાલીન રેલવે પોલીસ કમિશ્નર તપાસના સાણસામાં
રેલવે પોલીસે ગૃહ વિભાગ અને ડીજીપી સમક્ષ અહેવાલ રજૂ કર્યો
તત્કાલીન કમિશનર કૈસર ખાલિદે 10 વર્ષના ભાડાં પર હોર્ડિંગ માટે મંજૂરી આપી હતીઃ રેલવે પોલીસની જગ્યામાં પેટ્રોલ પંપનું મહિને 17 લાખ ભાડું
મુંબઇ : ઘાટકોપરમાં હોર્ડિંગ દુર્ઘટના પ્રકરણે રેલવે પોલીસ વિભાગે તૈયાર કરેલો અહેવાલ ગૃહ વિભાગ અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ સમક્ષ રજૂ કરાયો છે. આ કેસમાં તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. કેસ સંદર્ભે તત્કાલીન રેલવે પોલીસ કમિશ્નર કૈસર ખાલિદની તપાસ થવાની શક્યતા છે.
રેલવે પોલીસ કમિશ્નરેટના વેલ્ફેર ફંડ ઓર્ગેનાઇઝશન મારફતે અને મહારાષ્ટ્ર રાજ્ય ડીજીપી, મુંબઇની પૂર્વ પરવાનગીથી ઘાટકોપરમાં ઇસ્ટર્ન એક્સપ્રેસ પર છેડાનગર પરિસરમાં રેલવે પોલીસની જગ્યામાં ડિસેમ્બર ૨૦૨૧ના રોજ પેટ્રોલપંપ ખોલવામાં આવ્યું હતું. પેટ્રોલપંપ નજીક તત્કાલીન રેલવે પોલીસ કમિશ્નર કૈસર ખાલિદની મંજૂરીથી એક જાહેરાત કંપનીને ૧૦ વર્ષ માટે ભાડા ઉપર હોર્ડિંગ ઉભુ રાખવાની પરવાનગી આપવામાં આવી હતી. તેથી ૧૩મેના રોજ બનેલી દુર્ઘટનામાં ખાલિદનું નામ વારંવાર લેવાઇ રહ્યું છે. આ બાબતે તપાસ સમિતી ખાલિદની તપાસ કરે તેવી શક્યતાઓ છે. દરમિયાન રેલવે પોલીસ વિભાગે સંપૂર્ણ ઘટના હોર્ડિંગને આપેલી પરવાનગી, એનઓસી વગેરેનો અહેવાલ તૈયાર કર્યો છે.
પેટ્રોલ પંપનું સંચાલન પોલીસ કમિશ્નર અને મુંભઇ રેલવે વેલ્ફેર ફેશ એસોસિયેશન દ્વારા થાય છે. મનુષ્યબળ અને વ્યવસ્થાપનની જવાબદારી એક ખાનગી કંપનીને સોંપવામાં આવી હતી. પેટ્રોલ પંપમાંથી થતી આવકનો ૭૫ ટકા હિસ્સો રેલવે પોલીસ કમિશ્નર અને પચ્ચીસ ટકા રકમ ડીજીપી, મહારાષ્ટ્ર રાજ્ય, મુંબઇ સેન્ટ્રલ પોલીસ વેલ્ફેર ફંડમાં જમા થાય છે. પેટ્રોલપંપનું મેનેજમેન્ટ કરતી ખાનગી કંપની પાસેથી દર મહિને ૧૬.૯૭ લાખ રૃપિયા ભાડું મળે છે. આ ભાડામાં દર વર્ષે ત્રણ ટકાનો વધારો થાય છે. તેવી જાણકારી માહિતી અધિકાર દ્વારા બહાર આવી છે.