રોકાણકારોને અદ્ધર રાખીને વર્ષો સુધી તપાસ રઝળાવી શકાય નહીં : હાઈકોર્ટ
ફ્રોડના કેસમાં આર્થિક ગુના શાખાના રેઢિયાળ કારભારની ઝાટકણી
600 રોકાણકારો આશા લગાવીને બેઠા છે પણ 4 વર્ષ થયા હજી આરોપનામું દાખલ થયું ન હોવા બાબતે કોર્ટનો ઠપકો
મુંબઈ : મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (ફાઈનાન્સિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સ) એક્ટ હેઠળ ફ્રોડના કેસની યોગ્ય તપાસ કરવામાં વિલંબ કરવા બદલ મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)ની ઝાટકણી કાઢીને બોમ્બે હાઈ કોર્ટે તાજેતરમાં નિરીક્ષણ કર્યું હતું કે રોકાણકારોને અદ્ધરતાલ રાખીને ફોજદારી કેસો વર્ષો સુધી પ્રલંબિત રાખી શકાય નહીં.
ન્યા. રેવતી મોહિતે ઢેરે અને ન્યા. પૃથ્વીરાજ ચવાણની બેન્ચે જાણવા માગ્યું હતું કે ઈઓડબ્લ્યુ આ કેસ તપાસવામાં ગંભીર છે કે નહીં કેમ કે ઓક્ટોબર ૨૦૨૦માં કેસ નોધાયો હોવા છતાં હજી આરોપનામું દાખલ કરાયું નથી. ૧૭ ડિસેમ્બરના આદેશમાં કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે આર્થિક ગુના શાખા દ્વારા રોકાણકારોને નિરાશ કરતા હોય એવો આ ઉત્તમ દાખલો આપતો કેસ છે.
આરોપીઓ સામે સામાન્ય આરોપનામું દાખલ કરવામાં ચાર વર્ષ લગાવ્યા છે. આ કેસમાં ૬૦૦થી વધુ રોકાણકારો સંકળાયેલા છે અને વહેલાંસર તપાસ પૂરી થાય એવી અપેક્ષા રાખીને બેઠા છે. વર્ષો સુધી તપાસ ચાલુ રાખી શકાય નહીં એવા રોકાણકારો પણ છે જેઓ વરિષ્ઠ નાગરિકો છે અને તેમણે લાખો રૃપિયા રોક્યા છે.
પોલીસની ફરજ છે કે વહેલાંસર તપાસ પૂરી થાય પણ હજી આરોપનામું પણ દાખલ થયું નથી, એવો નિસાસો કોર્ટે નાખ્યો હતો. તપાસ ઝડપથી પૂરી થાય એ જોવાના રોકાણકારોના અધિકારનો પોલીસે ઘાત કર્યો છે.
રોકાણકારોને તમામ ઓથોરિટી સમક્ષ દોડધામ કરવાની ફરજ પડાઈ રહી છે. જ્યારે કાયદેસર ઓથોરિટીની ફરજ છે કે યોગ્ય પગલાં લેવામાં આવે. કોર્ટે મુખ્ય સરકારી વકિલ હિતેન વેણેગાંવકરને કાયદાની કલમ યાદ અપાવી હતી જેમાં આરોપનામું સમયસર દાખલ નહીં કરવા બદલ અધિકારીઓ સામે પગલાં લેવાની જોગવાઈ છે.
અમે આકલમ લાગુ નથી કરતા કેમ કે વેણેગાંવકરે ટૂંક સમયમાં આરોપનામું દાખલ થશે એવું નિવેદન આપ્યું છે. ચાર વર્ષથી જે રીતે કેસની તપાસ ચાલી રહી છે તેને જોતાં અમે સરકારી વકિલને સવાલ કર્યો હતો કે પોલીસને કેસની તપાસમાં કે આરોપનામું દાખલ કરવામાં રસ નથી તો અમે એસઆઈટીને તપાસ સોંપીએ. અમારી નારાજગીને ધ્યાનમાં લઈને સરકારી વકિલે આર્થિક ગુના શાખાની યુનિટ-૮માંથી સૂચના મેળવીને ચાર સપ્તાહમાં આરોપનામું દાખલ કરવામાં આવશે એમ જણાવ્યું છે. આ નિવેદન સ્વીકારવામાં આવે છે, એમ આદેશમાં નોંધ કરાઈ હતી અને સુનાવણી ૨૮ જાન્યુઆરી ૨૦૨૫ પર રાખી છે.