પાસપોર્ટ માટે જરુર પડે ઘરે જઈ વેરીફિકેશન કરવા પોલીસને સૂચના

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
પાસપોર્ટ માટે જરુર પડે ઘરે જઈ વેરીફિકેશન કરવા પોલીસને સૂચના 1 - image


તત્કાલ પાસપોર્ટના અરજદારો પર ખાસ ધ્યાન રાખવા તાકીદ

બનાવટી દસ્તાવેજોના આધારે તથા પોલીસમાં ગોઠવણ કરી પાસપોર્ટ મેળવી લેવાની તરકીબો પર લગામ માટે નિર્દેશ

મુંબઈ :  પાસપોર્ટ માટે અરજી કરનારાઓનાં પોલીસ વેરીફિકેશન માટે જરુર પડે ઘરે જઈ ચકાસણી કરવા મહારાષ્ટ્ર પોલીસને આદેશ અપાયા છે. બનાવટી દસ્તાવેજનો આધારે પાસપોર્ટ મેળવવાનો પ્રયાસ કરવાની કોશીશોને નાથવા માટે આ આદેશ અપાયા છે. 

ક્રાઇમ સિન્ડિકેટના સભ્યો ગેરકાયદે સ્થળાંતર કરનાર અને રાષ્ટ્રવિરોધીઓને પાસપોર્ટ મેળવવા આધારકાર્ડ, પેનકાર્ડ જેવા બનાવટી દસ્તાવેજ પૂરાં પાડે છે. આ બાબતની મોડસ ઓપરેન્ડી મુજબ મુખ્યત્વે અરજદારો ઉત્તર-પૂર્વના બનાવટી આઇકાર્ડ અને સરનામાનો ઉપયોગ કરી 'તત્કાળ પાસપોર્ટ' મેળવવા અરજી કરે છે. 

આ રીતે તત્કાળ રૃટથી પોલીસ વેરિફિકેશન વિના પાસપોર્ટ મેળવવા માટે અરજી દાખલ કરી સ્થાનિક સત્તાવાળાઓને પ્રભાવિત કરવામાં આવે છે, એવી શંકા છે કે આ સિન્ડિકેટ્સ ગેરકાયદે સ્થળાંતર કરનારાઓ અને રાષ્ટ્રવિરોધીઓને બનાવટી આધારકાર્ડ પેનકાર્ડ જેવા જરૃરી દસ્તાવેજ બનાવી આપે છે. આ એક ગંભીર વાત છે અને દેશની આંતરિક સુરક્ષા માટે જોખમી હોવાથી અરજીકર્તાના ઘરે જઈ ચકાસણી કરવા જણાવ્યું છે અને તેમાં પણ તત્કાલ પાસપોર્ટ મેળવવા માગતા અરજદારો પર કરડી નજર રાખવાની તાકીદ કરવામાં આવી છે.

આ બાબતના પરિપત્રમાં સ્પષ્ટપણે પોલીસને પાસપોર્ટની અરજીની તપાસ કરતી વખતે અરજદારનું સરનામું, ફોજદારી રેકોર્ડ, આઇકાર્ડ અને અન્ય વિગતોની કડક ચકાસણી કર્યા બાદ જ અરજીને આગળ ફોરવર્ડ કરવાની તાકીદ કરી છે. આ સાથે જ જરૃર જણાય તો અરજદારના ઘરે જઈ યોગ્ય તપાસ કરવા જણાવવામાં આવ્યું છે.

જૂન ૨૦૨૩થી સહાર પોલીસે મુંબઈ, પુણે, કોલકાતા અને ત્રિપુરાના પ્રાદેશિક પાસપોર્ટ કાર્યાલય દ્વારા જારી કરાયેલા સાત બાંગ્લાદેશી, એક નેપાલી અને એક અફઘાન નાગરિક પાસેથી નકલી પાસપોર્ટ જપ્ત કર્યા છે.



Google NewsGoogle News