ડીએનએ રિઝલ્ટ આવે નહીં ત્યાં સુધી બાળકને ઘરે લઈ જવા દંપતીને નિર્દેશ
વોર્ડ અટેન્ડન્ટે 'બચ્ચા હુઆ' કહ્યા બાદ બાળકી સોંપી દેતાં વિવાદ
દંપતીએ ઈનકાર કરતાં મહિનાઓ સુધી હોસ્પિટલે બાળકને સંભાળ્યું 4થી ડિસેમ્બરે રિપોર્ટને કોર્ટમાં ઓપન કરાશે
મુંબઈ : પરેલની કેઇએમ હોસ્પિટલમાં બાળકી સામેે તેમના નવજાત પુત્રને બદલી નખાયો હોવાનો દાવો કરતા દંપતીને ડીએનએ રિપોર્ટનું પરિણામ આવે નહીં ત્યાં સુધી બાળકને ઘરે લઈ જવા બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું છે.
અગાઉ દંપતીએ ડીએનએનો અહેવાલ આવે નહીં ત્યાં સુધી બાળકને ઘરે લઈ જવામાં આનાકાની કરતાં હોસ્પિટલે બાળકની સંભાળ મહિનાઓ સુધી કરવી પડી હતી. બે મહિના પૂર્વે દંપતીએ બાળક બદલાયું હોવાની ફરિયાદ ભોઈવાડા પોલીસ સ્ટેશનમાં કરી હતી. ૨૬ સપ્ટેમ્બરે જન્મેલા તેમના પુત્રને બદલીને બાળકી સોંપી દેવાયાનો આરોપ તેમણે કર્યો હતો.તેમણે જણાવ્યા અનુસાર સિઝેરિયન સેક્શન થકી બાળક અવતર્યા બાદ વોર્ડ અટેન્ડન્ટે તેને જાણ કરી હતી કે તેમને પુત્ર જન્મ્યો છે, પણ પરિવારને બાદમાં બાળકી સોંપવામાં આવી હતી.પોલીસ ફરિયાદ કરવા ઉપરાંત દંપતીએ હાઈ કોર્ટમાં પણ અરજી કરી હતી.
હાઈકોર્ટના નિર્દેશાનુસાર બાળકના ડીએનએ સેમ્પલ ફોરેન્સિક લેબોરેટરી મોકલાવ્યા છે અને દંપતીને નવજાત ઘરે લઈ જવા જણાવ્યું છે. લેબોરેટરીએ રિપોર્ટ પોલીસને સીલ કવરમાં આપ્યો છે અને ચોથી ડિસેમ્બરે કોર્ટમાં ખોલવામાં આવશે. કેઈએમ હોસ્પિટલ ઓથોરિટી અને દંપતીને રિપોર્ટ ખોલતી વખતે હાજર રહેવા જણાવ્યું છે.
પોલીસ તપાસમાં આ કેસ સાંભળવામાં ભુલ થયાનો છે. વોર્ડ અટેન્ડન્ટ પરિવારને જણાવ્યું હતું કે તેમના બાળક માટે બચ્ચા શબ્દ વાપર્યો હતો જેને તેમણે પુત્ર સમજી લીધું હતું. આ શબ્દ નવજાત બાળક માટે વાપરવામાં આવ્યો હતો. હોસ્પિટલના ડીને જણાવ્યા અનુસાર મહિલા પર સી સેક્શન સર્જરી કરાઈ ત્યારે તે એક જ કેસ હતો. આથી અન્ય સાથે બદલવાની શક્યતા જ નથી. બાળકોને જન્મ બાદ તરત જ ટેગ લગાવી દેવાય છે. આથી આરોપ પાયાવિહોણા છે.