બ્રિટિશ રાજ વખતે બંધાયેલા: મુંબઈના જૂના પુલ તોડવાને બદલે તેની ઉપર જ નવા બ્રિજ બંધાશે
- બ્રિજ બંધ કરાતાં થતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઈ નવી યંત્રણાનો વિચાર
મુંબઈ,તા.6 ફેબ્રુઆરી 2020 ગુરૂવાર
જોખમી સાબિત થઈ રહેલાં જૂના બ્રિજને તોડી નવા બ્રિજ બાંધતી વખતે સર્જાતી ટ્રાફિક સમસ્યાના ઉકેલ રુપે પ્રશાસકીય યંત્રણાએ હવે જૂના બ્રિજ ન તોડતાં તેની ઉપર નવા બ્રિજ બાંધવાનો વિચાર કર્યો છે. જેમાં ૧૦ બ્રિટીશકાલિન બ્રિજ સમાવિષ્ટ છે. આ બાબતના તંત્રજ્ઞાાનની તપાસ 'મહારાષ્ટ્ર રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ' (એમઆરઆઈડીસી) દ્વારા થઈ રહી છે. મુંબઈ પાલિકા સાથે આ બ્રિજના બાંધકામ માટે સામંજસ્ય કરાર કરવામાં આવવાનો હોઈ કામ શરુ થયાના ૬૫૦ દિવસમાં નવા બ્રિજનું બાંધકામ પૂરું કરવાનો ઉદ્દેશ રખાયો છે.
આ બ્રિજમાં ભાયખલા બ્રિજ, ભાયખલા-સેન્ડહર્સ્ટ રોડ દરમ્યાનનો ઓલિવંટ બ્રિજ, મહાલક્ષ્મી, દાદર સ્ટેશનના તિલક બ્રિજ સહિત અન્ય બ્રિજોનો સમાવેશ છે.એકજ સમયે આ બ્રિજોનું કામ હાથમાં લેવાય તો ટ્રાફિકની ભારે સમસ્યા થઈ શકે છે. આથી સંબંધિત ૧૦ બ્રિજનું કામ તબક્કાવાર કરાશે. તેમજ એ માટે જૂનો બ્રિજ ન તોડતાં તેને સમાંતર અથવા જૂના પૂલ પર નવો પૂલ બનાવાશે. તે દરમ્યાન જૂના બ્રિજનો વાહનવ્યવહાર યથાવત્ રહે તેની પૂરી કાળજી લેવાશે. નવા બ્રિજનું કામ અંતિમ તબક્કે પહોંચતાંજ જૂના બ્રિજને તોડી પાડવાનું કામ હાથ ધરાશે.
અંધેરીના ગોખલે બ્રિજની ઘટના બાદ રેલમંત્રી પિયુષ ગોયલે બ્રિજના ઓડિટનો આદેશ આપતાં આઈઆઈટી, પાલિકા અને રેલવે દ્વારા રેલવેની હદના બ્રિજની તપાસણી થઈ. ત્યારબાદ જોખમી બ્રિટીશકાલીન લોઅર પરેલ સ્ટેશન પરનો બ્રિજ તોડી પડાયો. જેને બનતાં હજી વરસથી વધુ સમય લાગશે અને તેને કારણે ભારે ટ્રાફિક આ વિસ્તારમાં રહે છે. તે સાથેજ ચર્ની રોડ અને ગ્રાન્ટ રોડ દરમ્યાનનો જોખમી ફેરરે બ્રિજ પણ ટ્રાફિક માટે બંધ કરાયો છે. તે પહેલાં સેન્ડહર્સ્ટ રોડ સ્થિત રેલવેની હદ્દનો હેંકોક પૂલ પણ પાડી નંખાયો છે.
હવે પાલિકાના બ્રિટીશકાલિન ૧૦ વધુ ફ્લાયઓવરનું પુનઃબાંધકામ થવાનું હોવાથી તે દરમ્યાન નાગરિકોને સમસ્યા ન થાય તે બાબતે વિવિધ અભ્યાસ દ્વારા ધ્યાન અપાઈ રહ્યું છે. ફ્લાયઓવર બનાવવા માટે ઠેકઠેકાણે અનેક થાંભલાઓ ઊભા કરાય છે. પરંતુ નવી પદ્ધતિમાં તેવું ન કરાતાં ઓછામાં ઓછાં થાંભલા પર બ્રિજ બનાવવાનો પ્રયાસ કરાશે. પૂલોને મોટાં કેબલ્સનો આધાર અપાશે. બાંદરા-વરલી સી લિન્ક તેમજ મેટ્રો-૧ પ્રોજેક્ટના ફ્લાયઓવરનું નિર્માણ પણ એ જ રીતે કરાયું છે.