ઈન્સ્ટાગ્રામ ડ્રગ્સના કારોબારનું સૌથી મોટું બજાર બની ગયું છે
ઈન્સ્ટા પર જ ઓર્ડર, યુપીઆઈથી પેમેન્ટ, કુરિયરથી ડિલિવરી
મહારાષ્ટ્રમાં ડ્રગ પકડાવાના વધતા કેસોનો મુદ્દો વિધાન પરિષદમાં ગાજ્યોઃ લલિત પાટીલ કેસમાં સંપૂર્ણ તપાસની સરકારની ખાતરી
મુંબઈ : ઈન્સ્ટાગ્રામ ડ્રગ્સના વેચાણ તથા ડિલિવરી માટેનું સૌથી મોટું બજાર બની ગયું છે. ડ્રગ પેડલર્સ તથા ડ્રગના બંધાણીઓ આ પ્લેટફોર્મ દ્વારા એકમેકના સંપર્કમાં આવે છે તેમ મહારાષ્ટ્ સરકારે જણાવ્યું છે.
મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં જુદા જુદા સભ્યોએ રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રગના કેસો વધી રહ્યા હોવા બાબતે સવાલો ઉઠાવતાં નાયબ મુખ્યપ્રધાન તથા ગૃહ મંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેના જવાબમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા દ્વારા ડ્રગના વેપારને ડામવા માટે સરકાર ટેકનોલોજીનો સહારો લઈ રહી છે.
તેમણે જણાવ્યું હતું કે બંધાણીઓ તથા ડીલર્સ ઈન્સ્ટાગ્રામ પર એકમેકના સંપર્કમાં આવે છે. અહીં જ ઓર્ડર અપાય છે. યુપીઆઈથી પેમેન્ટ થાય છે અને પછી કુરિયર દ્વારા ડિલિવરી કરવામાં આવે છે. આ ઉપરાંત ડાર્ક નેટ દ્વારા પણ ડ્રગનો કારોબાર ચાલે છે.
સરકાર આ મુદ્દે કુરિયર કંપનીઓ સાથે પણ ફોલો અપ કરી રહી છે. તેમનાં પાર્સલોની ચકાસણી વધુ કડક બનાવવા જણાવાયું છે. સંબંધિત એજન્સીઓ દ્વારા પણ કુરિયર કંપનીઓમાં અચાનક તપાસની કાર્યવાહી થઈ રહી છે.
લલિત પાટીલ પુણેની સાસૂન હોસ્પિટલમાંથી ડ્રગ રેકેટ ચલાવતો હોવાનો મુદ્દો પણ ઉઠાવાયો હતો. ફડણવીસે આ સમગ્ર પ્રકરણમાં સંપૂર્ણ તપાસની ખાતરી આપી હતી.
ફડણવીસે ડ્રગ સામે લેવાયેલાં અન્ય પગલાંની જાણકારી આપતાં કહ્યું હતું કે અત્યાર સુધી ૧૭૨ નાઇજિરિયનની ધરપકડ કરાઈ છે. તેમના માટે એક ખાસ ડિટેન્શન સેન્ટર પણ શરુ કરાયું છે. શાળા-કોલેજોની નજીકથી ૨૩૬૯ શંકાસ્પદ પાનની દુકાનો પણ દૂર કરાઈ છે. આ દુકાનો દ્વારા વિદ્યાર્થીઓને ડ્રગ વેચાતું હોવાની આશંકાના પગલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઈ સિગરેટનો મોટોો જથ્થો જપ્ત કરાયો છે અને હુક્કા પાર્લરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.