પ્રેરણારુપ ટીવી સિરિયલ 'ઉડાન' નાં સર્જક કવિતા ચૌધરીનું નિધન
ડિટરજન્ટ એડના લલિતાજી તરીકે પણ પ્રખ્યાત
અનેક યુવતીઓએ આ સિરિયલ જોઈ પોલીસ ફોસ જોડાઈઃ શેખર કપૂર સહિતની હસ્તીઓની અંજલિ
મુંબઇ : અસંખ્ય યુવતીઓને પોલીસ ફોર્સમાં જોડાવા માટે પ્રેરણા આપનારી દૂરદર્શનના જમાનાની યાદગાર સિરિયલ 'ઉડાન'નાં સર્જક અને અભિનેત્રી કવિતા ચૌધરીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. આ સિરિયલમાં તેમના સહકલાકાર બનેલા જાણીતા ફિલ્મ સર્જક શેખર કપૂર સહિતની હસ્તીઓએ કવિતા ચૌધરીનાં નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો.
૬૭ વર્ષનાં કવિતા ચૌધરીનું અમૃતસરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. તેમના ભત્રીજાએ આપેલી વિગતો મુજબ છેલ્લા કેટલાય દિવસોથી તેમની તબિયત અસ્વસ્થ હતી.
સોશિયલ મીડિયા પર અનેક ચાહકોએ ૮૦ના દાયકામાં ટીવી પર આવતી ડિટરજન્ટ એડનાં આઈકોનિક પાત્ર 'લલિતાજી' તરીકે પણ કવિતા ચૌધરીને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
કવિતા ચૌધરીએ 'ઉડાન' ઉપરાંત 'યોર ઓનર' તથા 'આઈપીએસ ડાયરીઝ' જેવા શોઝનું પણ નિર્માણ કર્યું હતું.
કવિતા ચૌધરીએ પોતાનાં મોટાં બહેન અને આઈપીએસ ઓફિસર કંચન ચૌધરીની આઈપીએસ બનવાની સ્ટ્રગલ પરથી જ 'ઉડાન' સિરિયલ બનાવી હતી. 'ઉડાન' સિરિયલનું તેમનું પાત્ર કલ્યાણી ભારે લોકપ્રિય બન્યું હતું.
આ સિરિયલમાં તેમના સહકલાકાર શેખર કપૂરે કવિતા ચૌધરીને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે વર્ષોના વર્ષો સુધી મને અનેક એવી મહિલા પોલીસ ઉચ્ચ અધિકારીઓ મળ્યાં છે જેમણે સ્વીકાર્યું છે કે પોલીસ અધિકારી બનવાની પ્રેરણા તેમને 'ઉડાન' સિરિયલ પરથી મળી હતી.
ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં દૂરદર્શન પર કેટલીક જૂની ક્લાસિક ટીવી સિરિયલો ફરીથી દર્શાવવાનું શરુ થયું ત્યારે તેના ભાગ રુપે 'ઉડાન' સિરિયલ પણ ફરીથી રજૂ કરવામાં આવી હતી.