મતદાન બાદ મોંઘવારીનો ફટકો શરુ, સીએનજીમાં 2 રુપિયા વધ્યા
વાહનોનું ઈંધણ મોંધું થતાં તમામ ચીજો પર અસર આવશે
જૂલાઈમાં દોઢ રૃપિયાનો વધારો કરાયો હતો ,ઓછા ગેસ પૂરવઠાને લીધે ભાવ વધારાનું કારણ અપાયું
મુંબઈ : રાજ્યમાં ચૂંટણીનું પરિણામ જાહેર થાય તે પહેલાં જ મોંઘવારીનો ફટકો જનતાને લાગ્યો છે. મહારાષ્ટ્ર ગેસ લિમિટેડે(એમજીએલ) મુંબઈ સહિત આખા રાજ્યમાં સીએનજીના દરમાં બે રૃપિયાનો વધારો કર્યો છે. સીએનજીનો પ્રતિ કિલો ભાવ આજથીે ૭૭ રૃપિયા લાગુ થયો છે.
એમજીએલ તરફથી ભાવ વધારા બાબતે કહેવામાં આવ્યું છે કે વધતી મોંઘવારીમાં ખર્ચ આવરી લેવા માટે સીએનજીના દરમાં વધારો કરવો પડયો છે. નૈસર્ગિક વાયુની ખરીદી અને તેના ઓપરેશનલ ખર્ચમાં વધારો થયો છે.
અગાઉ જૂલાઈમાં પણ એમજીએલએ સીએનજીના દરમાં દોઢ રૃપિયાનો વધારો કર્યો હતો. સીએનજીના દરમાં વધારો કરવાના કારણોમાં સીએનજી અને પીએનજીની વધતી માગ અને માગણી સામે ગેસનો ઓછો પૂરવઠો થતો હોવાથી કંપનીએ ભાવ વધારો કરવો પડે છે. ઉપરાંત એમજીએલએ દર વધારો ઈતર કંપનીઓ અને ઉદ્યોગોને અનુસરીને લીધો છે.
દેશના બીજા શહેરોમાં અગાઉથી જ સીએનજીના દરમાં વધારો થયો છે. આ વર્ષે જૂલાઈમાં જ દિલ્હીના ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ કંપનીએ એક રૃપિયો દરમાં વધાર્યો હતો. વર્તમાનમાં દિલ્હીમાં પ્રતિ કિલો સીએનજી ૭૫.૦૯ રૃપિયામાં વેંચાય છે.