ફટાકડામાં પણ મોંઘવારીનો બોમ્બ ઝિંકાયોઃ ભાવોમાં વધારો
લગભગ દરેક આઈટમ સરેરાશ ૧૫ ટકા મોંઘી
કાચા માલના ભાવમાં વધારાનું કારણ અપાયું, જોકે છતાં શોખીનો દ્વારા ખરીદી શરુ
મુંબઈ : દિવાળીના દિવસોને હવે ગણતરીના દિવસો આડા રહ્યા છે, ત્યારે આ વર્ષે મોંઘવારીની અસર ફટાકડાના ભાવો પર પણ જોવા મળી રહી છે. માર્કેટમાં ફટાકડાના ભાવમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આથી દિવાળીમાં ફટાકડા ખરીદતી વખતે લોકોના ખિસ્સા પર કાતર મૂકાવાની છે.
નવી મુંબઈ, મુંબઈ સહિત દાદર વિસ્તારની માર્કેટોમાં ખરીદી માટે લોકોની ભીડ ઉભરાવા લાગી છે. આ વર્ષે લોકોમાં પણ દિવાળીનો ઉત્સાહ જણાઈ રહ્યો છે. આથી ફટાકડાંનું વેંચાણ પણ સારું એવું થશે, એવું વિક્રેતાઓનું માનવું છે. રસી બોમ્બ, બૂલેટ, પોપટ, લવિંગ્યા ફટાકડાની કિંમતમાં પાંચથી ૧૦ ટકાનો વધારો થયો છે. જ્યારે ફુલઝર, પાઉસ, ભૂચક્રી, રૉકેટની કિંમતમાં ૧૦ થી ૧૫ ટકા વધારો થયો છે. સૌથી વધુ ૧૫ થી ૨૦ ટકાનો વધારો આકાશમાં ઉંચે જઈને ફૂટતાં ફટાકડાંઓની કિંમતમાં થયો છે. જોકે તમામ પ્રકારના ફટાકડાંની કિંમતને ધ્યાનમાં લઈએ તો સરેરાશ ૧૦ થી ૧૫ ટકાનો વધારો કિંમતમાં નોંધાયો છે.
ફટાકડાં બનાવતી વખતે બેરિયમ નાઈટ્રેટ, એમોનિયમ નાઈટ્રેટ, એલ્યુમિનીયમ પાવડર, કોપર કોટેડ વાયર, સલ્ફર, રદ્દી પેપર, સૂતળી જેવા કાચા માલનો ઉપયોગ કરાય છે. આ વર્ષે આમાંની ઘણી વસ્તુઓના ભાવ વધી ગયા છે. વળી મજૂરોની મજૂરી, વધેલો વાહનવ્યવહારનો ખર્ચ, વીજળીનો દર વગેરે બાબતોને કારણે પણ ફટાકડાંની કિંમતમાં વધારો થયાનુ જાણવા મળ્યું છે.