ઈન્દ્રાણી મુખરજીને વિદેશ જવાની છૂટનો આદેશ હાઈકોર્ટ દ્વારા રદ
શીના બોરા હત્યા કેસમાં મુખ્ય આરોપીને ઝટકો
ઈન્દ્રાણી વિદેશ નાસી જવાની શક્યતા વ્યક્ત કરતી સીબીઆઈની દલીલીને અદાલતે સ્વીકારી
મુંબઈ : શીના બોરા હત્યા કેસમાં જામીન પર મુક્ત મુખ્ય આરોપી તેની માતા ઈન્દ્રાણી મુખરજીને સ્પેન અને બ્રિટન જવાની પરવાનગી આપતો વિશેષ કાર્ટનો આદેશ બોમ્બે હાઈકોર્ટે રદબાતલ કર્યો છે.
ઈન્દ્રાણી સામે ગંભીર ગુનાનો કેસ ચાલી રહ્યો છે અને તે વિદેશ નાસી જવાની શક્યતા છે એવી સીબીઆઈની અરજીને સિંગલ બેન્ચના ન્યા. શ્યામ ચાંડકેે સ્વીકારી હતી. કોર્ટે જણાવ્યું હતું કે જો ભારત રહીને કામ થઈ શકતું હોય તે કાનૂની ઓથોરિટી મદદ કરી શકે છે. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે કેસની યોગ્યતા પર કોઈ ટિપ્પણી કરાઈ નથી માત્ર વિશેષ કોર્ટનો આદેશ અયોગ્ય હોવાનું નોંધ્યું છે.
અગાઉ પ્રવાસની પરવાનગી માગતી વખતે વિશેષ કોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યા સિવાયના કામ ઉમેરવા સામે કોર્ટે મુખરજીને સાવચેત કરી હતી.
સીબીઆઈના વકિલે કોર્ટને જણાવ્યું હતું કે એજન્સીએ યુકે અને સ્પેનની બેન્કો સાથે ચકાસણી કરી હતી અને મુખરજીને કરવાની જરૃરી ચૂકવણી ઓનલાઈન થઈ શકે છે તને વિદેશ જવાની જરૃર નથી. અન્ય બેન્કના જવાબની રાહ જોવાઈ રહી છે.
મુખરજીના વકિલે જણાવ્યું હતું કે પહેલાં તેના બંધ ખાતાને ચાલુ કરવું જરૃરી છે ત્યાર બાદ ચૂકવણી થશે.વિદેશના ઘરના સમારકામનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો હોવાનું જજે નોંધ્યું હતું.
૧૯ જુલાઈના રોજ વિશેષ સીબીઆઈ કોર્ટે મુખરજીને ૧૦ દિવસ માટે વિદેશ પ્રવાસની પરવાનગી આપી હતી. કેસના સહ આરોપી પીટર મુખરજી સાથે છૂટાછેડા લીધા બાદ અમુક બેન્ક સંબંધી દસ્તાવેજો અને અન્ય સંબંધીત કામ માટે વિદેશ જવાની પરવાનગી માગી હતી.
સેશન્સ કોર્ટે ૨૯ જુલાઈ સુધી પોતાના આદેશ પર સ્થગિતી આપીને સીબીઆઈને હાઈકોર્ટમાં અપીલ કરવાની તક આપી હતી. ઈન્દ્રાણી સામે એક ગંભીર કેસ ચાલી રહ્યો છે અને તેના પર પોતાની પુત્રીની હત્યાનો આરોપ છે. તેને વિદેશ જવાની પરવાનગી આપવાથી તે નાસી જવાની શક્યતા હોવાની દલીલ સીબીઆઈએ કોર્ટમાં કરી હતી.
સેશન્સ કોર્ટે ઈન્દ્રાણીને સ્પેન અને યુનાઈટેડ કિંગડમ જવા આગામી ત્રણ મહિનામાં છૂટક છૂટક દસ દિવસ પ્રવાસની પરવાનગી આપી હતી. પ્રવાસ દરમ્યાન તેણે ભારતીય દૂતાવાસની કચેરી અથવા તેને સંંલગ્ન મિશન ઓફિસમાં ઓછામાં ઓછા એક વાર હાજરી પૂરાવી પડશે અને હાજરીપત્રક મેળવવું પડશે. કોર્ટે રૃ. બે લાખની શ્યોરિટી પણ જમાન કરવાનો નિર્દેશ આપ્યો હતો.
૨૦૧૫માં ઈન્દ્રાણીની ધરપકડ થઈ હતી અને મે ૨૦૨૨માં તેને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા. ૨૦૧૨માં ૨૪ વર્ષની પુત્રી શીનાની હત્યા કરીને મૃતદેહનો નિકાલ કરવાના કેસમાં તેની ધરપકડ થઈ હતી. કેસના તમામ આરોપી જામીન પર છે.