સંજય ગાંધી નેશનલ પાર્કમાં ભારતનું પહેલું ટેક્સીડર્મી મ્યુઝિયમ શરૃ થશે
સિંહ, વાઘ, ચિત્તો વગેરેની ટ્રોફીઓ ગોઠવવામાં આવશે
મુંબઇ : ભારતનું પહેલું ટેક્સીડર્મી સેન્ટર મ્યુઝિયમ મુંબઇના સંજય ગાંધી નેશનલ પાર્ક(એસ.જી.એન.પી.)માં આવતાં બે-ત્રણ સપ્તાહમાં શરૃ થશે. સાથોસાથ આ જ સમયગાળા દરમિયાન અહીં કેટ ઓરિએન્ટેશન સેન્ટર પણ શરૃ થશે.
એસ.જી.એન.પી.માં ટેક્સીડર્મી સેન્ટર ૨૦૦૯માં શરૃ થયું છે.
ટેક્સીડર્મી સેન્ટર એટલે મૃત્યુ પામેલાં પ્રાણીની ચામડીને સ્વચ્છ કરવી, સાચવવી, તેમાં અમુક ખાસ પ્રકારનાં રસાયણો ભરવાં વગેરેની વૈજ્ઞાાનિક પદ્ધતિ કે કળા.
એસ.જી.એન.પી.ના ફિલ્ડ ડાયરેક્ટર અને ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ જી.મલ્લિકાર્જુને એવી માહિતી આપી હતી કે આ ટેક્સીડર્મી સેન્ટરમાં સિંહ, વાઘ, ચિત્તો અને અન્ય જંગલી પ્રાણીઓની ટ્રોફીઓ મૂકવામાં આવશે. આવી વિશિષ્ટ પ્રકારની ટ્રોફીઓ દ્વારા મુલાકાતીઓને જંગલી પ્રાણીઓ વિશે માહિતી મળશે. હાલ ટેક્સીડર્મી સેન્ટરની અને કેટ ઓરિએન્ટેશન સેન્ટરની કામગીરી લગભગ પૂરી થવામાં છે.બંને સેન્ટર આવતાં બે-ત્રણ અઠવાડિયામાં જાહેર જનતા માટે ખુલ્લાં મૂકવામાં આવશે.
કેટ ઓરિએન્ટેશન સેન્ટરમાં નાની અને મોટી જંગલી બિલાડીઓ વિશેની માહિતી મળશે. આ બંને સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓને અને નાગરિકોને જંગલી પ્રાણીઓ વિશે માહિતી મળશે. સાથોસાથ તેઓમાં આવાં પ્રાણીઓ વિશે જાગૃતિ પણ ફેલાશે.