અરબી સમુદ્રમાં ભારતીય નેવીએ 940 કિલો ડ્રગનો જથ્થો ઝડપી પાડયો
42 રાષ્ટ્રોના નૌકાદળના જોડાણના ભાગરુપે કામગીરી
પ્રતિબંધિત ડ્રગ્સમાં 430 કિલો મેથામ્ફેરામાઇન, 416 કિલો હેશ અને 71 કિલો હેરોઇનનો સમાવેશ
મુંબઇ : ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજે આઇએનએસ તલવારે ઓપરેશન ક્રિમસન બેરાકુડા હેઠળ અરબીસમુદ્રમાં મધદરિયે એક દિલધડક કાર્યવાહીમાં ૯૪૦ કિલો પ્રતિબંધિત ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ સંદર્ભે અધિકારીઓના જણાવ્યુંનુસાર ભારતીય નૌકાદળના ચુનંદા માર્કોસકમાન્ડોએ ૧૩ એપ્રિલના એક બોટને આંતરી તેમાંથી આ માદક દ્રવ્યો જપ્ત કર્યા હતા.
સંયુક્ત મેરીટાઇમ ફોર્સીસ (સીએમએફ)ના સભ્ય તરીકે ભારતીય નૌકાદળે સૌ પ્રથમ વખત ડ્રગ્સ પ્રતિબંધક કાર્યવાહી હાથ ધરી હતી. આઇએનએસ તલવારે કેનેડાની આગેવાની હેઠળની કમ્બાઇન્ડ ટાસ્ક ફોર્સ (સીટીએફ) ૧૫૦ના સમર્થનમાં સીએમએફના સભ્ય તરીકે આ કાર્યવાહી સફળતાપૂર્વક પાર પાડી હતી. સીએમએફએ ૪૨ રાષ્ટ્રોની નૌકાદળની ભાગીદારીથી બનેલ ગુ્રપ છે જેનો હેતુ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ મનાતા ૩.૨ મિલિયન ચોરસ માઇલના આંતરરાષ્ટ્રીય દરિયાઇ વિસ્તારને સુરક્ષા અને સ્થિરતા પ્રદાન કરવાનો છે.
ભારતીય નૌકાદળના પ્રવક્તાએ કહ્યું હતું કે ભારતીય નૌકાદળના દહાજ આઇએનએસ તલવારે દરિયાઇ સુરક્ષા કામગીરી માટે પશ્ચિમ અરબી સમુદ્રમાં સંયુક્ત ટાસ્ક ફોર્સની આગેવાની હેઠળના ઓપરેશન ક્રિમસન બેરાકુડાએ ૧૩ એપ્રિલના રોજ આ શંકાસ્પદ બોટને સફળતાપૂર્વક પકડી પાડી હતી. જહાજમાં હાજર નિષ્ણાતોની ટીમ અને માર્કોસે ૯૪૦ ટન પ્રતિબંધિત ડ્રગ્સ જપ્ત કર્યું છે. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) અનુસાર આ ડ્રગ્સનો નિકાલ કરવામાં આવશે તેવું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. સીટીએફ- ૧૫૦ મિશન હેઠળ હિંદ મહાસાગર, અરબી સમુદ્ર અને ઓમાનના અખાતમાં શસ્ત્રો ડ્રગ્સ અને અન્ય ગેરકાયદેસર વસ્તુઓની હેરફેર રોકવા પર લક્ષ્ય કેન્દ્રીત કરવામાં આવે છે.
આઇએનએસ તલવારે જપ્ત કરેલ પ્રતિબંધિત ડ્રગ્સમાં ૪૩૦ કિલો મેથામ્ફેટામાઇન્ટ, ૪૧૬ કિલો હેશ અને ૭૧ કિલો હેરાઇનનો સમાવેશ થાય છે.