Get The App

ડ્રોનથી હુમલો થતાં જહાજમાં આગ, દરિયામાં કૂદી પડેલા 21ને ભારતીય નેવીએ બચાવ્યા

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
ડ્રોનથી હુમલો થતાં જહાજમાં આગ, દરિયામાં કૂદી પડેલા 21ને ભારતીય નેવીએ બચાવ્યા 1 - image


એડનના અખાતમાં માલવાહક- જહાજ પર ડ્રોન-મિસાઇલથી હુમલો

ક્રુ મેમ્બરમાં 1 ભારતીય ખલાસી : યુદ્ધ જહાજે હેલિકોપ્ટરની મદદથી બચાવકાર્ય પાર પાડયું

મુંબઇ :  એડનના અખાત નજીક ગઇ કાલે એક વિદેશી માલવાહક જહાજ પર ડ્રોન-મિસાઇલથી હુમલો થયા બાદ જહાજમાં આગ ફાટી નીકળી હતી. ભડકે બળતા જહાજના ૨૧ ક્રૂ મેમ્બર જીવ બચાવવા માટે લાઇફબોટ સાથે દરિયામાં કૂદી પડયા હતા. આ બધાને ભારતીય નેવાની જહાજ આઇ.એન.એસ કોલકાતાએ હેલિકોપ્ટરની મદદથી હેમખેમ ઉગારી લીધા હતા.

ેડનના અખાતમાં અને રેડ-સી વિસ્તારમાંથી પસાર થતા મર્ચન્ટ શિપ્સના રક્ષણ માટે તહેનાત આઇએનએસ કોલકાતાને સંદેશ મળ્યો હતો કે એડનના કિનારાથી ૫૫ નોટીકલ માઇલના અંતરે બાર્બાડોસના માલવાહક જહાજ એમ.વી.  ટ્રુ કોન્ફીડન્સ પર ડ્રોન-મિસાઇલથી હુમલો થયો છે અને આગ લાગી છે. તત્કાળ મદદ માટે એસઓએસ (રોય અવર સેલ્વ્ઝ) મેસેજ મળતા નેવીનું જહાજ મદદે ધસી ગયું હતું. સૌથી પહેલા તો એક ભારતીય ખલાસી સહિત તમામ ૨૧ ક્રુ મેમ્બરને હેલિકોપ્ટરની મદદથી અને બોટની ંમદદથી હેમખેમ ઉગારી લીધા હતા. ત્યાર પછી જખમી થયેલાને ભારતીય નેવીની મેડિકલ ટીમે સારવાર આપી હતી. આ સાથે જ ગંભીર રીતે ઘાયલ એક શખસને તરત જ હેલિકોપ્ટરમાં જીળુટી પહોંચાડી ત્યાંની હોસ્પિટલમાં સારવારની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ઇઝરાઇલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે રેડ-સીમાંથી પસાર થતા વ્યાપારી જહાજો પરપ હૂથી બળવાખોરોના હુમલાના બનાવો બનવા માંડતા ભારત, અમેરિકા, ફ્રાન્સના નૌકાદળે પોતપોતાના યુદ્ધ-જહાજો તહેનાત કર્યા છે. આ નેવલ શિપ્સ સંયુક્ત રીતે મર્ચન્ચ શિપ્સને સુરક્ષા છત્ર પૂરું પાડે છે. ભારતીય નૌકાદળના જહાજે તો છેલ્લા બે મહિના દરમિયાન અનેક વેળા બચાવ અને મદદ કામગીરી પાર પાડી છે. સોમાલીયાના  ચાંચિયાઓને પણ બરાબરનો પાઠ ભણાવ્યો છે. 

૧૩ ભારતીય ક્રુ સાથેના વિદેશી જહાજની સહાય

એડન પાસે ગઇકાલે બાર્બાડોસના જહાજના ક્રુ મેમ્બરને ઇન્ડિયન નેવીના યુદ્ધ- જહાજ આઇએમએસ કોલકાતાએ બચાવ્યા તેના બે દિવસ પહેલાં જ આ દરિયાઇ ક્ષેત્રમાંથી પસાર થતા લાઇબેરિયાના કન્ટેનર કેરિયર શિપ ઉપર મિસાઇલ હુમલો થતા આગ લાગી હતી. આ હુમલાની જાણ થતા આઇએનએસ કોલકાતા તરત જ મદદે પહોંચી ગયું હતું અને સૌથી પહેલા તો ફાયરફાઇટીંગ ટીમે જહાજની આગ બુઝાવીને કરોડોના માલને નુકસાનીથી બચાવી લીધો હતો. આ સાથે જ જહાજ પર ફરજ બજાવતા ૧૩ ભારતીયો સહિત ૨૩ ક્રુ મેમ્બરને બચાવી લીધા હતા.



Google NewsGoogle News