હિન્દુ મહાસાગરમાં ચીનની હિલચાલ પર ભારતીય નેવીની ચાંપતી નજર
ભારતીય નેવી માટે દરિયાઈ ચાંચિયાગીરી પણ મોટો પડકાર
પશ્ચિમ એશિયામાં ચાલતા સંઘર્ષ પર પણ નેવી નજરઃ કોઈપણ પડકારને પહોંચી વળાશે
મુંબઇ : ભારતીય નૌકાદળ પશ્ચિમી એશિયામાં આકાર લઇ રહેલી પરિસ્થિતિ તેમજ હિન્દી મહાસાગર ક્ષેત્રમાં ચીનની ગતિવિધી પર ચાંપતી નજર રાખી રહ્યું છે એમ વેસ્ટર્ન નેવલ કમાન્ડના વડા વાઇસ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ આજે જણાવ્યું હતું.
મુંબઇમાં આયોજિત ગ્લોબલ મરીટાઇમ ઇન્ડિયા સમીટ-૨૦૨૩ પ્રસંગે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના વિકરાળ રૃપ ધારણ કરતા જતા સંઘર્ષના સંદર્ભમાં પત્રકારોના સવાલોના જવાબ આપતા વાઇસ એડમિરલે જણાવ્યું હતું કે હિન્દી મહાસાગરમાં ચીનની હિલચાલ અને પશ્ચિમી એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની સંભવિત અસર બાબત નેવી પળેપળ નજર રાખી રહી છે. નેવી કોઇ પણ પડકારને પહોંચી વળવા સજ્જ છે.
ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધગ્રસ્ત પરિસ્થિતિને લીધે નૌકાદળના મુખ્યાલયમાં અને કમાન્ડ હેડકવાર્ટરમાંથી ચીન દ્વારા મુખ્યત્વે સાઉથ આયના સી ક્ષેત્રમાં શું ચાલી રહ્યું છે તેની ઉપર નજર રાખવામાં આવી રહી છે. ખાસ તો સંશોધનના નામે ફરતા જહાજો, જાસૂસી કરવા વપરાતા જહાજો તેમ જ યુદ્ધ જહાજો ઉપર અમે ચાંપતી નજર રાખવી રહ્યાં છીએ.
નૌકાદળના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લાં દસ- પંદર વર્ષ દરમ્યાન દરિયાઇ ચાંચિયાગીરી નેવી માટે મોટો પડકાર બની ગઇ છે. જોકે આંતરરાષ્ટ્રીય સહકારને લીધે આ જોખમ અંકુશમાં લેવામાં સફળતા મળી છે.
આ પ્રસંગે કોસ્ટગાર્ડના એડિશનલ ડાયરેકટર જનરલ એસ. પરમેશે જણાવ્યું હતું કે ઝળુંબતા જોખમનો તાગ મેળવીને સંયુક્ત રીતે સામનો કરી શકાય એ માટે વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે માહિતીનું આદાનપ્રદાન જરૃરી છે.
બીજું સેટેલાઇટ સર્વેલન્સ, ડ્રોન અને માનવરહિત એરક્રાફ્ટ જેવા અત્યાધુનિક સાધનો અને ટેકનોલોજી પાછળ વધુમાં વધુ મૂડી રોકાણ કરવામાં આવે એ જરૃરી છે.