આવતીકાલે દેશભરની કૉલેજોમાં 'ભારતીય ભાષા ઉત્સવ' ઉજવાશે
તામિળ સાહિત્યકાર સુબ્રમણ્યમ ભારતીની જન્મજયંતિએ ભાષાના કાર્યક્રમો યોજવા યુજીસીનું સૂચન
મુંબઈ - પ્રખ્યાત તામિલ કવિ, લેખક, પત્રકાર અને સ્વાતંત્ર્ય સૈનિક સુબ્રમણ્યમ ભારતીની જન્મજયંતિ નિમિત્તે ૧૧ ડિસેમ્બરના દિવસે દેશભરની તમામ કૉલેજો, મહાવિદ્યાલયોમાં 'ભારતીય ભાષા ઉત્સવ' મનાવવો, એવો આદેશ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને આપ્યો છે. આ દ્વારા માતૃભાષા અને ભારતીય ભાષાઓને પીઠબળ પણ મળશે.
વ્યક્તિના વિકાસમાં માતૃભાષાની ભૂમિકા અત્યંત મહત્ત્વની હોય છે. તે કેન્દ્ર સ્થાને રાખી મહાકવિ ભારતીના નામે ઓળખાયેલા તામિળ સાહિત્યકાર, પત્રકાર સુબ્રમણ્યમ ભારતીની જયંતી ઉજવવી, એવો નિર્ણય શિક્ષણ મંત્રાલયે લીધો છે. આ દિવસે ભારતીય ભાષાઓનું મહત્ત્વ વધારે તેવા ઉપક્રમો, પુસ્તક પ્રદર્શન, કવિ સમ્મેલન કે સાહિત્ય સંમેલન, પરિસંવાદ આદિ કોઈપણ ઉપક્રમ કરી શકાશે.