ભારત-મધ્યપૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર દુનિયાના દરિયાઇ વેપારની શિકલ બદલી નાંખશે : પીએમ નરેન્દ્ર મોદી

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
ભારત-મધ્યપૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર દુનિયાના દરિયાઇ વેપારની શિકલ બદલી નાંખશે : પીએમ નરેન્દ્ર મોદી 1 - image


વડાપ્રધાને નવા દરિયાઇ કોરિડોરને સિલ્ક રૃટ સાથે  સરખાવી ઇન્વેસ્ટર્સને મૂડીરોકાણ કરવા આમંત્ર્યા  

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર ડીનો નવો મંત્ર ડેવલપમેન્ટ, ડેમોગ્રાફી, ડેમોક્રસી અને ડિમાન્ડ આપ્યો  

મુંબઇ :  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંંગળવારે  મુંબઇમાં યોજાઇ રહેલી ગ્લોબલ મેરીટાઇમ ઇન્ડિયાની ત્રીજી  સમિટનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરી જણાવ્યું હતુ કે ભારત-મધ્યપૂર્વ- યુરોપ ઇકોનોમિક કોરિડોરમાં દુનિયાના દરિયાઇ વેપારનું રૃપાંતર કરી નાંખવાની સંભાવના રહેલી છે અને તેમણે ઇન્વેસ્ટર્સને આ પહેલનો હિસ્સો બની તેમાં ભાગીદાર બનવા આમંત્રણ આપ્યું હતું. 

 વડા પ્રધાને જણાવ્યું હતું કે જી-૨૦ દરમ્યાન ભારત ઇન્ડિયા-મીડલઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર-આઇએમઇઇસી- મામલે  ઐતિહાસિક સર્વસંમતિ સાધવામાં સફળ થયું હતું. આ પહેલ થોડી સદીઓ અગાઉ જેમ સિલ્ક રૃટ સમૃદ્ધિ લાવવામાં સાધનરૃપ બન્યો હતો તેમ સમૃદ્ધિકારક બની રહેશે. આ કોરિડોરમાં દુનિયાના  દરિયાઇ વેપાર ઉદ્યોગની શિકલ પલટી નાંખવાની સંભાવના રહેલી છે અને તેને કારણે દુનિયાના અને પ્રાદેશિક વેપારમાં હકારાત્મક પરિવર્તન આવશે. ઇન્વેસ્ટર્સ માટે ભારત સાથે ભાગીદારી કરવાની તક છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે આ કોરિડોરને પગલે ઘણી વિકાસલક્ષી પહેલ થશે. બીજી પેઢીના મેગા બંદરોનો વિકાસ, ઇન્ટરનેશનલ કન્ટેઇનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટસ, ટાપુઓનો વિકાસ અને મલ્ટીમોડલ હબના વિસ્તરણ જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. આઇએમએમસીસી માલપરિવહનને સરળ બનાવી વેપાર ખર્ચ ઘટાડશે અને સંખ્યાબંધ રોજગાર પેદાં કરશે. ૭૦ દેેશોના ડેલિગેટ્સને સંબોધતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે કોરોના મહામારી બાદ વિશ્વમાં સત્તાના સમીકરણ બદલાઇ રહ્યા છે અને આખી દુનિયા ભારત ભણી નવી ઉમેદો સાથે મીટ માંડીને બેઠી છે. દરમ્યાન ભારતનું અર્થતંત્ર વધારે મજબૂત બની રહ્યું છે જે દુનિયાનું ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની રહેશે. 

વડા પ્રધાન મોદી એ ચાર ડીનો નવો મંત્ર ડેવલપમેન્ટ, ડેમોગ્રાફી, ડેમોક્રસી અને ડિમાન્ડ આપતાં જણાવ્યું હતું કે આ બહુ થોડા દેશોને આ ચાર ડીના આશિર્વાદ મળેલાં છે. તેમણે ઇન્વેસ્ટર્સને ભારતની વિકાસ યાત્રાનો હિસ્સો બનવા માટે આમંત્ર્યા હતા. વડાપ્રધાને જણાવ્યું હતું કે મારી સરકાર છેલ્લા  નવ-દસ વર્ષથી મેરીટાઇમ સેક્ટરને મજબૂત કરવા કામ કરી રહી છે. એક સમયે ભારતની દરિયાઇ વેપારની ક્ષમતાઓ મજબૂત હતી અને તેનાથી આખી દુનિયાને લાભ થયો હતો. છેલ્લા એક દાયકામાં મોટાં બંદરોની ક્ષમતા બમણી થઇ ગઇ છે અને ૨૦૧૪માં કન્ટેઇનર્સનો ટર્ન અરાઉન્ડ ટાઇમ ૪૨ કલાક હતો તે હવે ઘટીને ૨૪ કલાક થઇ ગયો છે. વળી બંદરોને સાંકળવા માટે દેશમાં હજારો કિલોમીટરના પાકાં રોડ પણ બાંધવામાં આવ્યા છે. રોજગારીનું સર્જન અને સરળ જીવન એ અમારા પ્રયાસોના પ્રેરક બળ બની રહ્યા છે. અમારી સરકાર પોર્ટસ ફોર પ્રોસ્પેરિટી અને પોર્ટસ ફોર પ્રોગ્રેસનું વીઝન ધરાવે છે. અમારો મંત્ર છે મેક ઇન ઇન્ડિયા...મેક ફોર વર્લ્ડ. તેમણે જણાવ્યું હતું કે સ્વદેશી બનાવટનું વિમાનવાહક જહાજ આઇએનએસ વિરાટ એ દેશની ક્ષમતાનું પરિચાયક છે. ચાર શિપ લિઝિંગ કંપનીઓ ગીફ્ટ-આઇએફએસસીમાં રજિસ્ટર્ડ થઇ છે. તેમણે વધારે કંપનીઓને શીપ લિઝિંગ ટ્રેડમાં આવવાની હાકલ કરી હતી. તેમણે ૫૦૦૦ વર્ષ જુના લોથલ બંદરને જહાજ ઉદ્યોગનું પારણું ગણાવી જણાવ્યું ઉમેર્યું હતું કે ગુજરાતમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્સ પણ આકાર લઇ રહ્યું છે. દેશમાં દુનિયાની સૌૈથી મોટી રીવર ક્રૂઝ સર્વિસ પણ મેરીટાઇમ પ્રવાસનને ઉત્તેજન આપવા માટે શરૃ કરાઇ છે.  



Google NewsGoogle News