બીડમાં મત આપતી વખતે અપક્ષ ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત
મતદાનના દિવસે જ અઘટિત બનાવ
મતદાન કેંદ્રમાં પહોંચી મત આપતી વખતે ચક્કર આવતા બેભાન થઈને પડી ગયા હતા
મુંબઈ : મહારાષ્ટ્રમાં આજે વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે. ત્યારે બીડ વિધાનસભામાં અપક્ષ ઉમેદવાર બાળાસાહેબ શિંદે સવારે મતદાન કેંદ્રમાં મત આપતા સમયે હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હતું.
વિગત મુજબ, બાળાસાહેબ શિંદે બીડ બેઠક પરથી અપક્ષ તરીકે મેદાનમાં ઉતર્યા હતા. બાળાસાહેબ શિંદે સવારે બીડ મતવિસ્તારમાં છત્રપતિ શાહુ વિદ્યાલય સ્થિત મતદાન કેંદ્ર પર મત આપવા માટે ગયા હતા. આ સમય ે તેમને ચક્કર આવતા તેઓ બેભાન થઈને પડી ગયા હતા.
તેથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેમની સ્થિતિ વધુ ગંભીર બનતા તેમને છત્રપતિ સંભાજી નગરની હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબી તપાસ દરમિયાન તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
બાળાસાહેબ શિંદેના આવા અણધાર્યા મૃત્યુથી બીડમાં મતદારો અને પ્રદેશના સાથી ઉમેદવારોમાંં શોકની લાગણી ફેલાઈ હતી.
મોરબે મતદાન કેંદ્ર પર ઘટના
સતારામાં મતદાન વખતે ૬૭ વર્ષીય મતદાતાનું હાર્ટ એટેકથી મોત
સતારામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન દરમિયાન ૬૭ વર્ષીય મતદાતાનું હાર્ટ એટેકથી મોત થયું હતું.
વિગત મુજબ, મહારાષ્ટ્રમાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જેમાં મહિલાઓ, યુવાનો અને વૃદ્ધો મોટી સંખ્યામાં ઉમટી પડતા મતદારોનો ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો હતો.
જો કે, ખંડાલાના મોરવે ગામમાં મતદાન કેંદ્રમાં મતદાન કરતી વખતે ૬૭ વર્ષીય મતદાતા શામ ધાયગુડેને હાર્ટ એટેક આવતા તેઓ બેભાન થઈને પડી ગયા હતા.
આ બાદ તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તબીબી તપાસ દરમિયાન તેમને મૃત જાહેર કરાયા હતા.