રાત્રે વધતા ઉકળાટને કારણે મુંબઈગરાની ઊંઘ હરામ થઈ

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
રાત્રે વધતા ઉકળાટને કારણે મુંબઈગરાની ઊંઘ હરામ થઈ 1 - image


મુંબઈમાં ચોમાસુ શરૃ થવા છતાં ગરમી યથાવત

ક્લાઈમેટ ચેન્જની અસરને કારણે વર્ષ દરમ્યાન ઉષ્ણ રાત્રિની સંખ્યા સરેરાશ કરતા ઘણી વધુ નોંધાઈ

મુંબઈ :  રાજ્યમાં ચોમાસુ શરૃ થયું હોવા છતાં ઉકળાટ ઓછો નથી થયો. સવારની પહોરમાં પણ મુંબઈમાં ઉકળાટનો ત્રાસ વર્તાઈ રહ્યો છે. માત્ર મુંબઈમાં જ નહિ, પણ વિશ્વભરમાં આ સ્થિતિ છે. આબોહવા પરિવર્તનના પરિણામો પૈકી આ પણ મહત્વનું પરિણામ હોવાને કારણે રાત્રે પણ ગરમીનો અનુભવ થતો હોવાથી સામાન્ય નાગરિકની ઊંઘ હરામ થઈ ગઈ છે. વાતાવરણનો અભ્યાસ કરતી શહેરની કેટલીક સંસ્થાઓએ કરેલા વિશ્લેષણના આધારે રાત્રિની ઊંઘની ગુણવત્તા કથળી હોવાનું અને તેનું પરિણામ આરોગ્ય પર પડતું હોવાનું જાણવા મળ્યું છે. મેટ્રો શહેરની વાત કરીએ તો મુંબઈમાં રાત્રે પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

ભારતમાં સમગ્ર વર્ષ દરમ્યાન આશરે ૫૦થી ૮૦ રાત્રિએ તાપમાન ૨૫ ડીગ્રી સેલ્સિયસથી વધુ હોવાનું આ વિશ્લેષણમાં જાણવા મળ્યું છે. રાત્રિનું તાપમાન વધતું હોવાથી લોકોને આવશ્યક ઊંઘ નથી મળી શકતી.

નિષ્ણાંતોના મતે છેલ્લા દસ વર્ષ દરમ્યાન રાત્રિના તાપમાનમાં મોટો ફેરફાર થયો છે. વર્ષ ૨૦૧૮થી ૨૦૨૩ દરમ્યાન મહારાષ્ટ્રના શહેરોમાં રાત્રે પણ વધુ ગરમીનો અનુભવ નાગરિકોને થઈ રહ્યો છે. મહારાષ્ટ્રની સાથે કેરળ, કર્ણાટક, તમિલ નાડુ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, આંધ્ર પ્રદેશના શહેરોમાં પણ આવી જ સ્થિતિ પ્રવર્તી રહી હોવાનું અભ્યાસમાં જાણવા મળ્યું છે.

આ રાજ્યોના મેટ્રો શહેરો સાથે સરખામણી કરતા મુંબઈમાં રાત્રિનું તાપમાન ખૂબ ઝડપથી બદલાઈ રહ્યું હોવાનું અભ્યાસમાં જાણવા મળ્યું છે. જાગતિક તાપમાન વધવાને કારણે પણ મુંબઈમાં સરેરાશ કરતા ૬૫ વધુ રાત્રિ એવી જણાઈ છે જ્યારે તાપમાન વધુ રહ્યું હોય.

અગાઉ ઉનાળાના દિવસોમાં પણ વહેલી સવારે થોડો સમય રાહત મળતી. પણ આ વર્ષે વહેલી સવારે પણ બફારો થતો હોવાનું અનેક મુંબઈગરાએ જણાવ્યું હતું.

ક્લાઈમેટ ચેન્જને કારણે રાત્રિના તાપમાનમાં વધારો થવાની સૌથી વધુ ઘટના પશ્ચિમ બંગાળ અને આસામમાં નોંધાઈ છે. જલપાઈગુડી, ગૌહાટી, દિબૂ્રગડ, સિલીગુડી જેવા શહેરોમાં સરેરાશ કરતા ૮૦થી ૮૬ વધુ ઉષ્ણ રાત્રિ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ દિવસોમાં લઘુત્તમ તાપમાન ૨૫ ડીગ્રી સેલ્સિયસથી વધુ હતું. ભારતના અનેક શહેરોમાં સરેરાશ કરતા ૧૫થી ૫૦ રાત્રિ એવી હતી જ્યારે લઘુત્તમ તાપમાન ૨૫ ડીગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હોય.


Google NewsGoogle News