શાકભાજીમાં ધૂમ મોંઘવારીઃ લીલા વટાણા 200, લસણ 500 રુ. કિલો

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
શાકભાજીમાં ધૂમ મોંઘવારીઃ લીલા વટાણા 200, લસણ  500 રુ. કિલો 1 - image


વરસાદને લીધે ભીંજાવાથી શાકનો મોટો જથ્થો બગડી ગયો

દાદર માર્કેટમાં કોઈ શાક 80-100 રુપિયે કિલોથી નીચે નહિઃ આવક અડધોઅડધ ઘટીઃ સસ્તા કાંદા માટે સમગ્ર મુંબઈ વચ્ચે માત્ર 2 વેન ફાળવી મશ્કરી 

મુંબઇ :  મુંબઇગરાએ ગણેશોત્સવમાં મોંઘા શાકભાજી ખાવાનો વારો આવ્યો છે. રાજ્યમાં સતત પડી રહેલા વરસાદને કારણે ભીંજાવાથી શાક બગડી જતું હોવાથી માર્કેટોમાં આવક ઘટી છે આને  કારણે ભાવ વધવા માંડયા છે. લીલા વટાણા ૨૦૦ રૃપિયે કિલો વેંચાવા લાગ્યા છે. લસણ ૫૦૦  રુપિયે કિલો પહોંચ્યું છે. 

ગયા અઠવાડિયે ૧૦૦ રૃપિયે કિલો વેંચાતા વટાણાની કિંમત બમણી થઇ ગઇ છે. કોથમીરની મોટી જૂડી પણ ૧૦૦ રૃપિયાથી વધુ ભાવે વેંચાવા માંડી છે. એટલે પહેલાં ૨૦ રૃપિયામાં મસાલો (કોથમીર, મરચા, આદુ, મીઠો લીંબડો) મળતો તેના હળે ૪૦ થી ૫૦ રૃપિયા આપવા પડે છે. ૨૦ રૃપિયામાં કોથમીરની માત્ર છ-સાત દાંડલી આપવામાં આવે છે. શાકભાજી ઉગાડનારા કહે છે કે પાલક, મેથી, શેપૂ જેવી ભાજી, લીલા મરચા, કોથમીર વગેરે કાપણી પહેલાં જ સતત પડતા વરસાદમાં ભીંજાઇને સડી જાય છે. આને લીધે મુંબઇ અને નવી મુંબઇના શાકભાજીના  પુરવઠામાં ભારે ઘટાડો થતા ભાવ વધવા માંડયા છે.

મુંબઇના મધ્યમાં આવેલી દાદરની  મુખ્ય માર્કેટમાં પણ કોઇ પણ શાક ૮૦ થી ૧૦૦ રૃપિયે કિલોથી ઓછા ભાવે મળતું નથી. દાદરની ભાજી માર્કેટમાં બહારગામથી શાકભાજી ભરીને આવતી ટ્રકોમાં અડધોઅડધ ઘટાડો થયો છે. આ માર્કેટમાં રોજ ૫૦ હજાર  શાકભાજીની જરૃરિયાત સામે માંડ ૨૦-૨૫ હજાર ટન શાક આવે છે. આને પગલે ભાવ ઉંચકાવા માંડયા છે.

દરમ્યાન કેન્દ્ર સરકારે ૩૫ રૃપિયે કિલો કાંદાનું વેચાણ શરૃ કર્યું છે, પરંતુ મુંબઇ જેવાં મોટા શહેરમાં માત્ર બે મોબાઇલ વેન વેચાણ માટે ફરતી હોવાથી બધી જગ્યાએ પહોંચી  નથી શકતી. એટલે લોકોએ માર્કેટમાંથી ના છૂટકે ૫૦-૫૫ રૃપિયે કિલો કાંદા ખરીદવા પડે છે.

લસણના ભાવ પણ ઉતરવાને બદલે સતત ચડતા જ હોવાથી સામાન્ય લોકોનું કિચન બજેટ ખોરવાાઈ ગયું છે. લસણનો ભાવ ૪૦૦ થી ૫૦૦ રૃપિયે કિલો પર  પહોંચી ગયો છે. એટલે નિયમિત કાંદા-લસણ ખાવાવાળાએ તહેવારોના દિવસોમાં નાછૂટકે વધુ ખર્ચવો પડે છે. બે વર્ષ પહેલાં લસણના ભાવ ખૂબ જ ગગડી ગયા પછી આ વખતે મોટા ભાગના ખેડૂતોએ લસણ ઉગાડવાનું માંડી વાળ્યું હોવાથી માલની ખેંચને કારણે ભાવમાં ભડકો થયો છે. એમ માર્કેટના સૂત્રોએ જણાવ્યું હતું.



Google NewsGoogle News