અધૂરા કોસ્ટલ રોડનું આખરે ચૂંટણી પહેલાં ઝટપટ ઉદ્ઘાટનઃ વિન્ટેજ કાર તથા બેસ્ટની બસો દોડી
સામાન્ય લોકો માટે આજથી ખુલ્લો મુકાશેઃ સવારે ૮ થી ૮ જ ચાલુ રહેશે, વીક એન્ડમાં બંધ
મુંબઇ : મુંબઈનો ૧૨૭૨૧ કરોડનો બનેલો કોસ્ટલ રોડ ખાતમુહૂર્તના સાડા પાંચ વર્ષ બાદ આજે અડધોપડધો ચાલુ થયો હતો. વરલીથી મરીન ડ્રાઈવ તરફ વિન્ટેજ કાર રેલી અને મહિલા પ્રવાસીઓ ધરાવતી બેસ્ટની બસો દોડાવીને કોસ્ટલ રોડ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
૧૨૭૨૧ કરોડમાં બનેલા કોસ્ટલ રોડની હજુ તો વરલીથી મરીન ડ્રાઈવની એક જ લેન ચાલુઃ દરિયા વચ્ચે બનેલી ટનલમાંથી વાહન દોડાવવાનો આલ્હાદ માણી શકાશે
ત્રણ-ત્રણ વાર તારીખો પડયા બાદ પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટનનો સમય છેક સુધી ન જ મળતાં આખર લોકસભા ચૂંટણીનું ટાણું સાચવવા સીએમના હસ્તે જ ઉદ્ઘાટનઃ બીજી લેન આગામી મેમાં શરુ થઈ જવાનો દાવો
૧૦.૫ કિલોમીટર લાંબા કોસ્ટલ રોડ પર વાહનચાલકો હાલ વરસી સી ફેસ, હાજી અલી ઈન્ટરચેન્જ તથા અમરસન્સ ઈન્ટરચેન્જ પોઈન્ટથી દાખલ થઈ શકશે અને મરીન લાઈન્સ ખાતેથી એક્ઝિટ લઈ શકશે. આટલું અંતર માત્ર ૧૫ મિનીટમાં કાપી શકાશે. જોકે, કોસ્ટલ રોડનું કામ હજુ અધુરું હોવાથી આ એક જ લેનનો ઉપયોગ સવારના આઠથી રાતે આઠ સુધી જ અને તે પણ માત્ર સોમવારથી શુક્રવાર સુધી જ થઈ શકશે. રાતના આઠ વાગ્યા પછી એન્ટ્રી બંધ કરાશે .આ ઉપરાંત શનિ તથા રવિવારે પણ કોસ્ટલ રોડ બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન અધૂરી કામગીરી આગળ ધપાવાશે.
આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું કામ ૧૩મી ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ શરુ થયું હતું. જોકે, બાદમાં કોરોના લોકડાઉનના કારણે તેમાં વિલંબ થયો હતો.
છેલ્લા કેટલાય સમયથી એક લેન તૈયાર હતી. આ માટે છેલ્લા કેટલાય સમયથી તારીખો પડતી રહી હતી. મહારાષ્ટ્ર સરકાર ઈચ્છતી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ કોસ્ટલ રોડનું ઉદ્ઘાટન શરુ થાય. પરંતુ, લોકસભા ચૂંટણી પહેલાં પીએમ મોદીનું શિડયૂલ એકદમ ભરચક બની જતાં કોઈ અનુકૂળ તારીખ જ સાંપડી ન હતી.
ગયા મહિને જ એકથી વધુ વાર મહાપાલિકાએ કોસ્ટલ રોડ શરુ કરી દેવાનું જાહેર કર્યું હતું. ગયાં સપ્તાહમાં મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ કોસ્ટલ રોડના કામની સમીક્ષા કરી ત્યારે આ રોડ વહેલી તકે ખુલ્લો મુકી દેવાશે તેમ જાહેર કર્યું હતું. તે પછી ગણતરીના કલાકોમાં જ મહાપાલિકાએ જાહેર કર્યું હતું કે કોસ્ટલ રોડનું ઉદ્ઘાટન તા. ૯મીના શનિવારે જ કરી દેવાશે. પરંતુ, પછી રાતોરાત મહાપાલિકાએ હવે કોસ્ટલ રોડ સોમવારે ખુલ્લો મુકાશે તેમ જાહેર કર્યું હતું.
આજે ઉદ્ઘાટન ટાણે મુખ્યપ્રધાન શિંદેએ આ કોસ્ટલ રોડને એન્જિનિયરિંગની અજાયબી ગણાવ્યો હતો. તેમણે કહ્યુ ંહતું કે કોસ્ટલ રોડ પર પ્રવાસીઓની સલામતી માટે પૂરતાં પગલાં લેવાયાં છે.
હાલના કોસ્ટલ રોડની બીજી લેન આગામી મે સુધીમાં શરુ કરી દેવાનું આશ્વાસન અપાયું છે. આ કોસ્ટલ રોડને બાન્દ્રા વરલી સી લિંક સાથે જોડાશે અને બાદમાં બાન્દ્રા વર્સોવા તથા વર્સોવા થી છેક દહિંસર સુધી લંબાવવાનું પ્લાનિંગ છે.
કોસ્ટલ રોડને છત્રપતિ સંભાજી મહારાજનું નામ અપાયું છે. વરલી ખાતે છત્રપતિ સંભાજી મહારાજની વિરાટ પ્રતિમા પણ સ્થપાશે તેમ જાહેર કરાયું હતું.
આ પ્રસંગે રાજકીય આક્ષેપબાજી પણ થઈ હતી. કોસ્ટલ રોડનાં નિર્માણ માટે શ્રેય ખાટવાના ઉદ્ધવ ઠાકરે તથા આદિત્ય ઠાકરેના પ્રયાસોની નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટીકા કરી હતી. તેમણે જણાવ્યુ ંહતું કે ઠાકરે શાસન વખતે આ કોસ્ટલ રોડના નિર્માણમાં રોડાં નાખવામાં આવ્યાં હતાં. ફડણવીસે એમ પણ યાદ કર્યું હતું કે કોસ્ટલ રોડનું ભૂમિપૂજન થયું ત્યારે હું સીએમ હોવા છતાં પણ મને આમંત્રણ અપાયું ન હતું.
કોસ્ટલ રોડનું મુખ્ય આકર્ષણ અન્ડર સી ટ્વીન ટનલ
દક્ષિણ-ઉત્તર મુંબઈથી આવતા અને જતા ટ્રાફિક માટે બે કિમી લંબાઈની બે અલગ-અલગ ભૂગર્ભ ટ્વીન ટનલ બનાવવામાં આવી છે. એક ટનલ છ લેનની તથા અન્ય ટનલ આઠ લેનની છે. ટનલમાં ફાયર સેફ્ટી માટે ફાયર બોર્ડ લગાવાયાં છે. ટનલમાં ભારતની પહેલી વાર સાકાર્ડો વેન્ટિલેશન સિસ્ટમ છે. કોઈ ઈમરજન્સી વખતે બચાવ માટે વાહનો દાખલ થઈ શકે તે માટે ૧૧ ખાસ એન્ટ્રી વેઝ પણ બનાવાયા છે. કોસ્ટલ રોડનું બોગદું બનાવવા માટે દેશના સૌથી મોટા ૨૮૦૦ ટન વજન ધરાવતાં ં ટીબીએમ માવલા મશીનને ઉતારવામાં આવ્યું હતું. ૧૨.૧૯ મીટરનો વ્યાસ ધરાવતું મશીન ઉતારી ટનલ બનાવાઈ છે.
૭૦ ટકા સમય, ૩૪ ટકા ઈંધણ બચશે
મહાપાલિકાના દાવા અનુસાર આ કોસ્ટલ રોડ પર્યાવરણીય રીતે પણ ફાયદાકારક સાબિત થશે. તેના કારણે ઈંધણના વપરાશમાં ૩૪ ટકાનો ઘટાડો થશે જ્યારે સમયની તો ૭૦ ટકા જેટલી મોટી બચત થવાની છે. વરલી-દાદરથી સાઉથ મુંબઈ જવાના અન્ય રસ્તા પર ટ્રાફિકનું ભારણ ઘટતાં ત્યાં પણ વાહનોની સ્પીડ વધશે અને એ રીતે પણ ટ્રાફિક જામ ઘટતાં ફ્યૂઅલ બચશે.
સાયકલ ટ્રેક, જોગીંગ ટ્રેક સાથે ૭૦ હેકટરમાં ગ્રીન એરિયા
આ પ્રોજેક્ટ ના ભાગ રુપે ૭૦ હેક્ટર ગ્રીન એરિયા બનાવવામાં આવી રહ્યો છે. ગ્રીન એરિયામાં સાયકલ ટ્રેક, પબ્લિક પાર્ક, જોગિંગ ટ્રેક, ઓપન થિયેટર બનાવવામાં આવી રહ્યાં છે. . કોસ્ટલ રોડના ભાગ રુપે નિર્માણ કરેલી દરિયાઈ દીવાલ દરિયાકાંઠાને ધોવાણથી બચાવશે.