ઈનકમટેક્સના અધિકારી વેપારમાં ઉચ્ચ વળતરની લાલચે છેતરાયા
કાપડના વેપારીઓ દ્વારા ૩૦ લાખની છેતરપિંડી
વેપારીઓએ વ્યવસાયમાં ભાગીદાર બનવવા અને નફાની લાલચ આપીને છેતરપિંડી કરી
મુંબઈ - પવઈ વિસ્તારમાં કપડા વ્યવસાયમાં રોકાણના નામે બે કાપડ વેપારીઓએ આવકવેરા અધિકારીની સાથે અંદાજે રુ. ૩૦ લાખની છેતરપિંડી કરી હતી. પવઈ પોલીસે આ મામલે બંને વેપારીઓ સામે છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી મ્ ાુજબ, પવઈમાં મ્હાડા ઈન્કમટેક્સ કોલોનીમાં રહેતા ફરિયાદી ચૈતન્ય નગરમાં જ્યોત લીલા નામનો કાપડનો વ્યવસાય ચલાવતા અમરસિંગ અને કમલેશ સાથે તેઓ સારી રીતે પરિચિત હતા.
સમય જતાં ફરીયાદી વારંવાર તેમની દુકાનમાંથી કપડા ખરીદતા હોવાથી આરોપીઓ સાથે સારી એવી મિત્રતા બંધાય ગઈ હતી. જેથી આરોપીઓએ ફરિયાદીને તેમના કાપડ વ્યાપારમાં રોકણ કરવાની સલાહ આપી હતી. જો કે, ફરિયાદીએ શરુઆતમાં તેમના સૂચનોને અવગણ્યા હતા.
જો કે, ૨૦૨૩માં બંને વપારીઓએ વ્યવસાયના વિસ્તરણ અને તેમની પુત્રીના લગ્ન ખર્ચને ટાંકીને નાણાંકીય સહાય માટે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. વેપારીઓ સાથે સારી એવી મિત્રતા હોવાથી વિશ્વાસ રાખીને ફરિયાદીએ જાન્યુઆરી ૨૦૨૩ અને ઓગસ્ટ ૨૦૨૪ વચ્ચેના હપ્તામાં રુ. ૩૦.૫૦ લાખ આપ્યા હતા.
આ રોકાણ બાદ વેપારીઓએ ફરિયાદીને ખાતરી આપી હતી કે તેમની પત્નીને તેમના વ્યવસાયમાં ભાગીદાર બનાવવામાં આવશે અને નફો તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આરોપીઓની વાતમાં આવી જતાં ફરિયાદીએ તેમને પૈસા આપવા માટે સંમતિ આપી હતી. જો કે, પૈસા મળ્યા છતાં વેપારીઓએ ન તો ભાગીદારી કરારની ઔપચારિકતા કરી હતી કે ન તો વચન આપેલા સમયમાં મૂળ રકમ પરત કરી હતી.
આથી ફરિયાદીએ તેના રોકાણ વિશે વારંવાર પૂછપરછ કરતા બંને વેપારીઓએ તેમને ટાળવાનું શરુ કર્યું હતું. આ બાદ બંને વેપારીઓએ ફરિયાદીનો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું.જેથી આખરે ફરિયાદીએ આરોપીઓની દુકાનની મુલાકાત લીધી હતી. જો કે, કાપડની દુકાન પર તાળુ મારેલું ફરીયાદીને જોવા મળ્યું હતું. જેમાં બંને વેપારીઓ ફરાર થઈ ગયા હતા.
પોતાની સાથે છેતરપિંડીનો અહેસાસ થઈ હોવાનું સમજીને ફરિયાદીએ પવઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ બાદ પોલીસે અમરસિંહ રાજપુરોહિત અને કમલેશ રાજપુરોહિત વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. જો કે, બંને આરોપીઓ હાલ ફરાર છે અને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.