ઈનકમટેક્સના ડ્રાઈવરે આઈટી કમિશનર તરીકે સ્વાંગ સજી 2 કરોડની છેતરપિંડી કરીે
45થી વધુ લોકોને નોકરી અપાવવાનું કહી પૈસા પડાવ્યા
10 વર્ષથી આઈટીમાં કોન્ટ્રાક્ટ પરના ડ્રાઈવર તરીકે કામ કરતો રિંકુ શર્મા લાલ બત્તી લગાડેલી કાર અને સૂટ બૂટ સાથે ફાંકડું અંગ્રેજી બોલી ભૂરકી છાંટતો હતો
રિંકુ પાસેથી સીબીઆઈ, ગૃહ વિભાગ, પોલીસ ખાતાં તથા પત્રકાર સહિતના વિવિધ હોદ્દાના 28 નકલી આઈ કાર્ડ પણ મળ્યાં
મુંબઈ - ઈનકમટેક્સ વિભાગમાં કામ કરતા ડ્રાઈવરે પોતે નકલી આઈટી કમિશનરનો સ્વાંગ રચીને ૪૫ ય્યુવાનો સાથે બે કરોડની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. પોલીસે આ નકલી કમિશનરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી ૩૩ વર્ષીય રિંકુ શર્માએ નાલાસોપારાની એક યુવતીને તેની જાળમાં ફસાવી હતી. પોતે આવકવેરા કમિશનર છે અને નોકરી અપાવી દેશે તેમ કહી તેની પાસેથી જુદા જુદા સમયે કુલ ૧૫ લાખ રુપિયા પડાવ્યા હતા. જોકે, લાંબા સમય સુધી નોકરી ન મળતાં યુવતીને તેની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની તેમને શંકા ગઈ હતી. એથી તેણે આ વિશે પોલીસમાં ફરિયાદ કરી હતી. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ-થ્રીની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ તપાસ હાથ ધરી આરોપી રિંકુ શર્માની ધરપકડ કરી હતી. રિંકુની પૂછપરછ કરાઈ ત્યારે તેણે કબૂલ્યું હતું કે પોતે ૪૫ લોકોને આ રીતે છેતરી ચૂક્યો છે અને તેમની પાસેથી તેણે બે કરોડ જેટલી રકમ પડાવી છે.
આરોપીની મોડસ ઓપરેન્ડી વિશે માહિતી આપતાં ક્રાઈમ બ્રાન્ચ-૩ના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર પ્રમોદ બડાખે જણાવ્યું કે, રિંકુ શર્મા ડ્રાઈવર છે. જોકે ,ે રેડ બેકનવાળી કાર લઈને અને સૂટબૂટમાં સજ્જ થઈને જ ફરતો હતો. આથી લોકોને તે મોટો ઓફિસર હોવાનું લાગતું હતું. . તેણે નોકરીની લાલચ આપીને યુવાનોને અપોઇન્ટમેન્ટ લેટર, ઓળખ પત્ર પણ આપ્યા હતા. ટૂંક સમયમાં નોકરીનો ફોન આવશે એમ કહીને ગેરમાર્ગે દોરતો હતો.
રિંકુ માત્ર છ ધોરણ પાસ
રિંકુ શર્માનું માંડ છઠ્ઠાં ધોરણ સુધી ભણ્યો છે. તે મુંબઈના આવકવેરા વિભાગમાં કોન્ટ્રાક્ટ પર૧૦ વર્ષથી ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. એથી તે આવકવેરા વિભાગ વિશે ઘણી બધી બાબતો જાણતો હતો. તે આવકવેરા વિભાગના વિવિધ વિભાગોમાંકામ કેવી રીતે થાય છે અને અધિકારીઓની જગ્યાઓ વિશે જાણતો હતો. તેણે આવકવેરા વિભાગમાંથી કેટલાક દસ્તાવેજો પોતાની પાસે મેળવી લીધા હતા. તેણે પોતાનું ઓળખ કાર્ડ પણ બનાવ્યું હતું. તે વધુ ભણેલોન હોવા છતાં પણ અંગ્રેજી ભાષા પર તેનો સારો કમાન્ડ હતો. જેના કારણેતેના પર કોઈને શંકા જતી ન હતી.
એ ઉપરાંત રિંકુ શર્મા પાસેથી સીબીઆઈ, ગૃહ વિભાગ, પોલીસ, પત્રકારો સહિતના વિવિધ વિભાગો તથા હોદ્દાના ૨૮ નકલી ઓળખ કાર્ડ મળી આવ્યા છે. તેણે તેનો દુરુપયોગ પણ કર્યો હોવાની શક્યતા છે અને તે દ્વષ્ટિએ પોલીસ તપાસ કરી રહી છે. આ મામલાની વધુ તપાસ પેલ્હાર પોલીસને સોંપવામાં આવી છે.