Get The App

આવકવેરા વિભાગ વોડાફોન-આઈડિયાને રૂ. 1128 કરોડ પાછા આપે : બોમ્બે હાઈકોર્ટ

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
આવકવેરા વિભાગ વોડાફોન-આઈડિયાને રૂ. 1128 કરોડ પાછા આપે : બોમ્બે હાઈકોર્ટ 1 - image


- સરકારી તિજોરીને જંગી નુકસાન બદલ બોમ્બે હાઈકોર્ટે એસેસમેન્ટ અધિકારીની ઝાટકણી કાઢી

- બેદરકારી-ઢીલાશ દાખવી 30 દિવસમાં એસેસમેન્ટ ઓર્ડર પાસ નહીં કરનારા એસેસમેન્ટ અધિકારી સામે તપાસનો હાઈકોર્ટનો આદેશ

- કંપનીએ એસેસમેન્ટ વર્ષ 2016-17 માટે ટેક્સ પેટે વધુ ચૂકવેલી રકમ પાછી માગી હતી

મુંબઈ : બોમ્બે હાઈકોર્ટે ઈન્કમ ટેક્સ વિભાગને વોડાફોન-આઈડિયા લિ.ને એસેસમેન્ટ વર્ષ ૨૦૧૬-૧૭ માટે વ્યાજ સાથે રૂ. ૧૧૨૮ કરોડ પાછા આપવા નિર્દેશ આપ્યો છે. સાથે જ હાઈકોર્ટે એસેસિંગ અધિકારીના બેદરકારીપૂર્ણ અને તદ્ન ઉદાસીન અભિગમ અંગે અસંતોષ વ્યક્ત કબોર્યો હતો. ન્યાયાધીશો કેઆર શ્રીરામ અને નીલા ગોખલેની બેન્ચે ઈન્કમ ટેક્સ એક્ટની જોગવાઈઓને અનુરૂપ કામ નહીં કરવા બદલ ફેસલેસ એસેસિંગ ઓફિસર સામે વિગતવાર તપાસ માટે ભલામણ કરી હતી.

હાઈકોર્ટે તેના ચૂકાદામાં કહ્યું કે, આ વર્ષે ઑગસ્ટમાં આઈટી વિભાગ દ્વારા પાસ એસેસમેન્ટ ઓર્ડર સમય સાથે બંધાયેલો હતો, તેથી તેને જાળવી રાખી શકાય નહીં. ન્યાયાધીશો આર શ્રીરામ અને નીલા ગોખલેની બેન્ચે અનિવાર્ય ૩૦ દિવસની અંદર અંતિમ આદેશ પસાર નહીં કરવામાં ઢીલાશ અને બેદરકારી દાખવવા અને તેને પરિણામે સરકારી ખજાના અને જનતાને જંગી નુકસાન પહોંચાડવા માટે અસેસમેન્ટ અધિકારી વિરુદ્ધ આકરું વલણ અપનાવ્યું હતું અને અધિકારી સામે પગલાં લેવા ભારપૂર્વક ભલામણ કરી હતી.

બોમ્બે હાઈકોર્ટે વોડાફોન-આઈડિયા લિ. તરફથી દાખલ એક અરજીમાં આ ચૂકાદો સંભળાવ્યો હતો. કંપનીએ અરજીમાં દાવો કર્યો હતો કે આકલન વર્ષ ૨૦૧૬-૧૭ માટે વીઆઈએલ તરફથી ચૂકવાયેલી રકમ પાછી આપવામાં આવકવેરા વિભાગ નિષ્ફળ ગયો હતો. કંપનીએ આ રકમ એડવાન્સ ટેક્સ સ્વરૂપે ચૂકવી હતી.કંપનીએ એસેસમેન્ટ વર્ષ ૨૦૧૬-૧૭ માટે ફાઈલ કરેલા આવકવેરા રીટર્નમાંથી ઉદ્ભવ્યો હતો. કંપનીએ તેના રિટર્નમાં આઈટીની સામાન્ય જોગવાઈઓ અને કલમ ૧૧૫જેબી હેઠળ નુકસાન નોંધાવ્યું હતું અને તેણે એડવાન્સ ટેક્સ સ્વરૂપે ભરેલી રૂ. ૧,૧૨૮.૪૭ કરોડની રકમ પાછી માગી હતી.

કંપનીની અરજી મુજબ એસેસમેન્ટ અધિકારીએ ડિસેમ્બર ૨૦૧૯માં સંબંધિત આકલન વર્ષ સંબંધે એક ડ્રાફ્ટ આદેશ પસાર કર્યો હતો, જેના વિરુદ્ધ કંપનીએ જાન્યુઆરી ૨૦૨૦માં ડિસ્પ્યુટ રિઝોલ્યુશન પેનલ (ડીઆરપી) દ્વારા અપાયેલા નિર્દેશો મુજબ ૩૦ દિવસની સમય મર્યાદામાં અંતિમ આદેશ આપ્યો નહોતો. આથી કંપનીએ અસર રિટર્ન ઓફ ઈન્કમ સ્વીકારીને વધુ ચૂકવેલા ટેક્સની રકમ વ્યાજ સાથે પાછી આપવા માગણી કરી હતી. કંપનીએ ઉમેર્યું કે, રકમ પાછી માગવા માટે જૂન ૨૦૨૩માં હાઈકોર્ટમાં અરજી કર્યા પછી એસેસમેન્ટ અધિકારીએ ઑગસ્ટમાં અંતિમ એસેસમેન્ટ ઓર્ડર આપ્યો હતો.

ડીઆરપીએ ૨૫ માર્ચ, ૨૦૨૧માં આદેશ આપ્યો હતો, પરંતુ એસેસમેન્ટ આદેશ ૩૧ ઑગસ્ટ ૨૦૨૩માં પસાર થયો હતો. બેન્ચે કહ્યું કે, અમને એ સ્વીકારવામાં કોઈ ખચકાટ નથી કે ડીઆરપીના નિર્દેશોના બે વર્ષ પછી એસેસમેન્ટ અધિકારી તરફથી ૩૧ ઑગસ્ટ ૨૦૨૩ના રોજ એસેસમેન્ટ ઓર્ડર અપાયો હતો, જે સમય સાથે બંધાયેલો હતો અને તેને જાળવી શકાયો નથી. તેથી વોડાફોન આઈડિયા લિમિટેડ વ્યાજ સહિત રિફન્ડ મેળવવા હકદાર છે.

બેન્ચે તેના આદેશમાં કહ્યું કે વોડાફોન આઈડિયાના કેસમાં આઈટી એક્ટની જોગવાઈઓ મુજબ નિર્ધારિત કર્તવ્યો નિભાવવામાં સંબંધિત અધિકારીએ સંપૂર્ણપણે ઉદાસીનતા અને બેદરકારી દાખવી છે. કાયદાના આકરા દાયરામાં કામ કરવાની જવાબદારી ધરાવતા અધિકારીઓ તરફથી કોઈપણ પ્રકારની બેદરકારી અને ચૂક સરકારી ખજાનાને નુકસાન કરે છે અને દેશની સમૃદ્ધિ તથા આર્થિક સ્થિરતા પર દૂરગામી પરિણામ આપે છે.

વોડાફોન-આઈડિયાના શૅરમાં બે ટકાનો ઊછાળો

વોડાફોન-આઈડિયાનો શૅર સવારે બજાર ખૂલતા સમયે બીએસઈ પર રૂ. ૧૩.૭૮ના સ્તરે ખુલ્યો હતો. ટૂંક સમયમાં જ તેના શૅર પાછલા બંધ ભાવથી ૩ ટકાની તેજી સાથે રૂ. ૧૪ની ટોચે પહોંચ્યો હતો. 

એનએસઈ પર શૅર રૂ. ૧૩.૮૦ના સ્તરે ખૂલ્યો અને રૂ. ૧૪ની ટોચે પહોંચ્યો હતો. 

વોડાફોન આઈડિયાનો શૅર બાવન સપ્તાહની ટોચ નજીક પહોંચ્યો છે, જે બીએસઈ પર રૂ. ૧૪.૩૭ અને એનએસઈ પર રૂ. ૧૪.૩૫ છે. જોકે, દિવસ પૂરો થતાં સુધીમાં કંપનીનો શૅર બે ટકાની વૃદ્ધિ સાથે બીએસઈ પર રૂ. ૧૩.૯૧ અને એનએસઈ પર રૂ. ૧૩.૯૫ના સ્તરે બંધ થયો હતો.


Google NewsGoogle News