પોર્શે કેસઃ તરુણના બાપ-દાદા સામે આત્મહત્યા માટે ઉશ્કેરણીનો પણ ગુનો દાખલ
પુણેનો કુખ્યાત અગ્રવાલ પરિવાર વધુ કાનૂની સકંજામાં
એક વેપારીએે લોનની બાકી વસૂલાત માટે ત્રાસથી આત્મહત્યા કરી હતી તેની તપાસમાં બિલ્ડર વિશાલ અગ્રવાલ તથા સુરેન્દ્ર અગ્રવાલનું નામ પણ ખુલ્યું
મુંબઇ : પુણેમાં પોર્શે કાર અકસ્માતમાં સંડોવાયેલા તરુણના પિતા, દાદા અને અન્ય ત્રણ સામે એક વેપારીના પુત્રને આત્મહત્યા માટે મજબૂર કરવા સંબંધિત અલગ મામલામાં પોલીસે ગુનો નોંધ્યો છે. એમ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ પુણેના વણાવશેરી વિસ્તારમાં બાંધકામનો વ્યવસાય કરતા ડી.એસ.કાતુરેએ આ સંબંધમાં વિનયકાળે વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના પુત્ર શશિકાંત કાતુરેએ બાંધકામ માટે કાળે પાસેથી લોન લીધી હતી. પરંતુ શશિકાંત સમયસર લોનની ચૂકવણી કરી શક્યો નહોતો. આથી કાળેએ મૂળ રકમમાં ચક્રવૃદ્ધિ વ્યાજ ઉમેરવાનું શરૃ કર્યું હતું. તે શશિકાંતને ત્રાસ આપતો હતો. આથી કંટાળીને શશિકાંતે ગત જાન્યુઆરીમાં આત્મહત્યા કરી હતી.
પુણેના ચંદનનગર પોલીસ સ્ટેશનમાં કાળે વિરૃદ્ધ કલમ ૩૦૬ (આત્મહત્યા માટે ુસ્કેરણી) અને ૫૦૬ (ગુનાહિત ધમકી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
પોલીસને તપાસ દરમિયાન આત્મહત્યાના કેસમાં પોર્શે કાર અકસ્માતના આરોપી તરુણના બિલ્ડર પિતા વિશાલ અગ્રવાલ, દાદા સુરેન્દ્ર અગ્રવાલ અને અન્ય ત્રણની સંડોવણીની જાણ થઇ હતી. હવે આ કેસમાં કલમ ૪૨૦, ૩૪ ઉમેરવામાં આવી છે, એવી માહિતી પોલીસ અધિકારીએ આપી હતી.
કિશોરના દાદા હાલમાં તેમના ડ્રાઇવરની અપહરણ અને બળજબરીથી ગોંધી રાખવાના મામલામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તેમણે અકસ્માત કિશોરે નહીં પરંતુ પોતે કર્યો હોવાનું કબૂલવાનું ડ્રાઇવર પર દબાણ કરી ધમકી આપી હતી.
જ્યારે ૧૭ વર્ષના આરોપી તરુણના રિઅલ એસ્ટેટ ડેવલપર પિતા વિશાલ અગ્રવાલ અને તેની માતા હાલમાં પુત્રના બ્લડ સેમ્પલની બદલી કરવા સંબંધિત કેસમાં પોલીસ કસ્ટડીમાં છે.
પુણેના કલ્યાણ નગરમાં સગીર આરોપી દ્વારા દારૃના નશામાં બેફામપણે પોર્શે કાર દોડાવીને બાઇકને અડફેટમાં લેતા બે આઇટી પ્રોફેશનલ્સના મૃત્યુ થયા હતા.
રમિયાન કિશોરના ા ાએ પોતાની ધરપકડને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર હોવાનું જાણવા મળ્યું છે.
ડ્રાઇવરના અપહરણ અને ગોંધી રાખવાના કેસમાં તેમને ખોટી રીતે ફસાવીને ધરપકડ કરવામાં આવી હતી. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે તપાસ કરતા સતાવાળાઓએ માત્ર આરોપોના આધારે અને પાંચ દિવસના વિલંબ પછી નોંધાવેલી ફરિયાદના આધારે ૭૭ વર્ષીય વરિષ્ઠ નાગરિક (કિશોરના દાદા) વિરૃદ્ધ સીઆરપીસીની કલમ ૪૨એ હેઠળ ફરજિયાત યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા વિના કેસ દાખલ કર્યો હતો.
અરજીમાં એમ જણાવવામાં આવ્યું છે કે ડ્રાઇવરને ૨૦મેના રોજ ૧૧ વાગ્યે તપાસ બાદ યેરવડા પોલીસ સ્ટેશનમાંથી છોડવામાં આવ્યો હતો તે કિશોરના દાદાન મળ્યો ત્યારે ગભરાયેલો હતો તેના જીવને જોખમ હોવાનું જણાતા પોતાની સહમતીથી કિશોરના દાદાના ઘરે ગયો હતો.
અરજદારે ડ્રાઇવર અને તેના પરિવારને સુરક્ષાની ખાતરી આપી હતી. આ અરજીમાં ડ્રાઇવરની ફરિયાદને ઉપજાવી કાઢેલી અને બોગસ જણાવતા હાઇકોર્ટને વિનંતી કરી કે પોલીસને અરજદારને તાત્કાલિક મુક્ત કરવા નિર્દેશ કરે અને પોલીસ સામે કડક પગલા લેવાની માંગણી કરી હતી.