જે મહિલા ડૉક્ટર જીવ બચાવી રહી હતી તેના પર જ હુમલો, મુંબઈમાં નશામાં ધૂત દર્દી અને સંબંધીઓએ કરી મારામારી
Mumbai Woman Doctor Attack : કોલકાતાની ઘટના બાદ હવે મુંબઈમાં રેસિડેન્ટ મહિલા ડોક્ટર પર હુમલાની ઘટના સામે આવી છે. આજે (18 ઑગસ્ટ) સવારે મુંબઈની સાયન હોસ્પિટલ ખાતે ડોક્ટર સાથે ઝઘડા બાદ લોકોએ હુમલો કર્યો હતો. આ પછી, ડોક્ટરે સાયન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વહેલી સવારે હોસ્પિટલમાં ડ્યૂટી કરી રહેલા મહિલા ડોક્ટર પર હુમલો
કોલકાતાની ઘટનાને દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે લોકો સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠાવી રહ્યાં છે. આ બધા વચ્ચે મુંબઈના સાયન હોસ્પિટલ ખાતે એક મહિલા ડોક્ટર પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં નશામાં ધૂત કેટલાક લોકોએ હોસ્પિટલના ડૉક્ટર પર હુમલો કરતાં મહિલા ડોક્ટરને શારીરિક ઘણી ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી પ્રમાણે, મહિલા ડોક્ટર વહેલી સવારે 3.30 વાગ્યામાં હોસ્પિટલના વોર્ડમાં ડ્યૂટી કરી રહ્યાં હતા, ત્યારે પાંચથી છ લોકોએ હોસ્પિટલમાં આવીને મહિલા ડોક્ટર પર હુમલો કર્યો હતો.
શું હતી આખી ઘટના
મળતી માહિતી પ્રમાણે, પાંચથી છ લોકોની એક ટોળકી એક ઈજાગ્રસ્ત વ્યક્તિને લઈને હોસ્પિટલમાં આવ્યાં હતા. જેમાં એક વ્યક્તિના મોં પર ઈજા થઈ હતી. આ દરમિયાન હોસ્પિટલમાં આવેલા દર્દીની સારવાર કરી રહેલા મહિલા ડોક્ટર પર સાથે આવેલા અન્ય લોકોએ અપશબ્દો બોલીને ધમકી આપી હતી. આ ઉપરાંત, ડોક્ટર પર કથિત રીતે શારીરિક હુમલો કરતાં મહિલા ખુદના બચાવવા જતા ઈજાગ્રસ્ત થઈ હતી. સમગ્ર ઘટનાને લઈને મહિલા ડોક્ટરે સાયન પોલીસ સ્ટેશનમાં જાણકારી આપીને ફરિયાદ નોંધાવી છે.