વરલીમાં આધેડ દ્વારા યુવતીના ઘરમાં ઘૂસી ચપ્પાના ઘા મારી હત્યાનો પ્રયાસ
પરિણિતાની પાછળ પડી ગયો હતો, લાંબા સમયથી સતામણી
માથાફરેલ આધેડના હુમલામાં પરિણિતા ઘાયલ, પોલીસ દ્વારા હુમલાખોરની ધરપકડ
મુંબઇ: દક્ષિણ મુંબઇના વરલીમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં ૪૭ વર્ષના એક આધેડ વ્યક્તિએ ૩૦ વર્ષની પરિણીત મહિલાના ઘરમાં ઘુસી તેના પર ઉપરા-છાપરી ચાકુના ઘા કરી તેને ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ઘટના બાદ પોલીસે આરોપી લિંગપ્પા દેવેન્દ્ર અંગરંગીની હત્યાના પ્રયાસના આરોપસર ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં ગંભીર ઇજા પામેલ મહિલાને કેઇએમ હોસ્પિટલના આઇસીયુમાં ખસેડવામાં આવી હતી.
આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર પીડિત મહિલા શિતલ કાંબળે વરલીના પ્રેમ નગર વિસ્તારમાં તેના પતિ ચંદ્રકાંત (૪૭) સાથે રહે છે. મહિલાનો પતિ પેઇન્ટર તરીકે કામ કરે છે. આરોપી લિંગપ્પા પણ આ વિસ્તારમાં જ રહે છે. છેલ્લા ઘણા સમયથી આરોપી શિતલનો પીછો (સ્ટોકિંગ) કરતો હતો. શિતલના પતિ ચંદ્રકાંત અને તેના પરિવારજનોને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે તેમણે લિંગપ્પાને ધમકાવ્યો હતો કે જો તે શિતલનો પીછો કરવાનું છોડશે નહીં તો જોવા જેવી થશે. લિંગપ્પાને આ બાબતે ધમકાવ્યા બાદ પણ તેમા કોઇ ફરક પડયો નહોતો અને તેણે શિતલનો પીછો કરવાનું ચાલું જ રાખ્યું હતું.
શુક્રવારે શિતલ જ્યારે તેના ઘરમાં એકલી હતી ત્યારે આરોપી તેના ઘરમાં ઘુસી ગયો હતો અને શિતલ પર ચાકુના ઉપરા-છાપરી ઘા કર્યા હતા. એવું કહેવાય છે કે શિતલે તેની સાથે વાત કરવાનું નકારી કાઢતા તે રોષે ભરાયો હતો અને તેણે આ કૃત્ય કર્યું હતું. આ ઘટના બાદ વરલી પોલીસે આરોપી લિંગપ્પાની આઇપીસીની કલમ ૩૦૭ હત્યાના પ્રયાસના આરોપસર ધરપકડ કરી હતી. આ સંદર્ભે પોલીસ સૂત્રોનુસાર આરોપીએ ભૂતકાળમાં શિતલના ઘર બહાર દારૂ પીધેલી હાલતમાં ધમાચકડી મચાવી હતી.