બહુ નજીકના ભવિષ્યમાં ઇસરોનાં અધ્યક્ષ તરીકે એક મહિલા હશેઃ એસ.સોમનાથ
આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે ઇસરોનાં 8 મહિલા વિજ્ઞાનીઓનું ઉમળકાભેર સન્માન થયું
મુંબઇ : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના ચેરપરસન તરીકે બહુ નજીકના ભવિષ્યમાં એક મહિલા હશે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે રવિવારે શહેરના ષણમુખાનંદ હોલમાં યોજાયેલા સમારોહમાં ઇસરોની આઠ મહિલા વિજ્ઞાાનીઓનું સન્માન કરતાં ઇસરોના ચેરમેન શ્રીધર પન્નીકર સોમનાથે આવી ખુશાલીભરી જાહેરાત કરી છે.
એસ.સોમનાથે ઉત્સાહભેર કહ્યું હતું કે ભારતની નવી પેઢીની યુવતીઓ તેમની કારકિર્દી સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધારવા ઇચ્છે છે તેઓ માટે આઠેય મહિલા વિજ્ઞાાનીઓ પ્રેરણાસ્રોત બની રહેશે.
આ આઠેય મહિલા વિજ્ઞાાનીઓએ ઇસરોના ચંદ્રયાન -૩ અવકાશયાન અને આદિત્ય-એલ૧ અવકાશયાન પ્રોજેક્ટ્સમાં આ આઠેય મહિલા વિજ્ઞાાનીઓએ ઉજળું યોગદાન આપ્યું છે.આદિત્ય-એલ ૧ અવકાશયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર નિગાર શાજીના ટેકનિકલ કૌશલ્યની ભરપૂર પ્રશંસા થઇ રહી છે.
ઇસરોનાં રીતુ ક્રીધાલ તો રોકેટ વુમન તરીકે પ્રસિદ્ધ છે. રીતુ ક્રીધાલે ભારતના પહેલા માર્સ ઓર્બિટર મિશનના ડેપ્યુટી ઓપરેશન ડાયરેક્ટર તરીકે ઝળહળતી કામગીરી કરી છે.
નિગાર શાજી ઉપરાંત ચંદ્રયાન -૩ ના ડેપ્યુટી ડાયરેક્ટર કલ્પના કલાહસ્તિ, નંદીની હરિહરન(ડેપ્યુટી ડાયરેક્ટર -ઇસરો ટેલિમેટ્રી,ટ્રેકિંગ,કમાન્ડ નેટવર્ક),માધવી ઠાકરે(સ્પેસ એપ્લિકેશન સેન્ટર-અમદાવાદ),અતુલા દેવી એસ.( ડેપ્યુટી ડાયરેક્ટર-એવીઓનિક્સ--વિક્રમ સારાભાઇ સેન્ટર), રેવથી હરિકૃષ્ણન(ગૂ્રપ ડાયરેક્ટર-પ્રપલ્ઝન એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, લિક્વિડ પ્રપલ્ઝન એન્ડ સિસ્ટમ સેન્ટર), ઉષા કે.(ગૂ્રન ડાયરેક્ટર-ઇસરો ઇનર્શિયલ સિસ્ટમ યુનિટ,કલ્પના અરવિંદ (એસોસિયેટ ડાયરેક્ટર-લેબોરેટરી ફોર ઇલેક્ટ્રો ઓપ્ટિક્સ સિસ્ટમ) એમ કુલ આઠ મહિલા વિજ્ઞાાનીઓનું ઉમળકાભેર સન્માન થયું છે.
એસ.સોમનાથે આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતાં એમ પણ કહ્યું હતું કે ઇસરોની ઝળહળતી પ્રગતિમાં પ્રતિભાશાળી મહિલા વિજ્ઞાાનીઓનું અને મહિલા એન્જિનિયરોનું યોગદાન ખરેખર ઉજળું અને યાદગાર રહ્યું છે. અમે ઇસરોમાં તમામ મહિલા વિજ્ઞાાનીઓને મહત્વના તમામ પ્રોજેક્ટ્સમાં સામેલ કરીએ છીએ કે જેથી તેમની ઉજળી પ્રતિભાનો સ્વીકાર થાય.સાથોસાથ તેમનું સન્માન પણ થાય.આમ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇચ્છે છે કે ઇસરોની અંતરિક્ષ સંશોધનની પડકારરૃપ કામગીરીમાં મહિલાઓનું યોગદાન વધે.
હાલ ઇસરોનાં કુલ કર્મચારીઓમાં ૨૦ ટકા જેટલી મહિલાઓ છે.વળી, આ ટકાવારી પણ સતત વધી રહી છે. ખુશીની બાબત તો એ પણ છે કે ઇસરોના મહત્વના પ્રોજેક્ટ્સમાં મહિલાઓનું નેતૃત્વ પણ વધી રહ્યું છે. ખાસ કરીને ટેકનોલોજીના વિકાસમાં નારી શક્તિનું યોગદાન પણ વધી રહ્યું છે. આમ પણ ઇસરોની કાર્યપ્રણાલી જ એવી છે કે મહિલાઓ તેમની પ્રતિભાનો ખરા અર્થમાં વિકાસ કરી શકે. પોતાની કારકિર્દીને આગળ વધારી શકે.